‘inmymindinmyheart’ ના ૬ વર્ષ…

તમારા સૌનો ખૂૂબ ખૂબ આભાર, આ સફરમાં સાથે રહેવા માટે. વિઝીટ, વ્યૂ, લાઈક, કમેન્ટ…બધ્ધું જ આવકાર્ય છે, અહીં આવતા રહેજો, લખતા રહેજો. 🙂 ❤

હું જે વાંચું છું, ઑનલાઈન, પુસ્તકોમાં, બીજા બ્લૉગ્સ પર એ બધું મારા મનમાં જાતજાતની અસર ઊભી કરે છે અને કોઈ નવા જ સ્વરૂપે મારા હ્રદયમાંથી ઉદભવે છે. આ બ્લૉગ એ બધી પ્રક્રિયાઓનું પ્લે-ગ્રાઉન્ડ છે. એટલા માટે પ્લે-ગ્રાઉન્ડ કહું છું કારણકે એમાં કશું જ પૂર્વ- નિર્ધારીત કે પૂર્વ-નિયોજીત નથી હોતું અને એ હકીકત એને અનોખું, ઉત્સાહ અને ઉત્તેજના સભર બનાવે છે. આ છ વર્ષોમાં ઘણું વાંચ્યું, બ્લૉગને માટે વંચાયું એ દ્વારા મારા વ્યક્તિત્વનું સતત ઘડતર થતું રહ્યું છે. મારા મનની ક્ષિતિજો સતત વિસ્તરતી રહે છે.

આ ઈમેજીસ બ્લૅકઆઉટ પોએટ્રીની છે, અહીં મૂકવાનો આશય એ છે કે આપણું જીવન પણ પુસ્તકના પાનાં જેવું છે. આપણે જ નક્કી કરવાનું છે કે કયા શબ્દો પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું અને કયા વાક્યોને ઢાંકી દેવાના, નજરથી દૂર કરી દેવાના. અને જુઓ કે સાવ સાધારણ લાગતું પુસ્તકનું પાનું આ આર્ટ-વર્કથી કેવું અદ્ ભૂત લાગે છે અને થોડા જ શબ્દો કેવી અર્થ સભર રચનાનું સર્જન કરી શકે છે. આપણું જીવન પણ જો થોડાં તથ્યો, સુંદર ક્ષણો; પ્રેમની, સૌંદર્યની, કાવ્યની, સંગીતની…ની ઉપર કેન્દ્રિત રાખીએ તો જીવન આપોઆપ રમ્ય ચિત્ર, અર્થસભર સર્જન બની શકે.

આપણી પાસે જેટલા ઑપશન્સ વધ્યા છે, મનોરંજનના એમાં સત્ત્વશીલ કેટલું? વાંચવાની આદત ઘટતી જાય છે ‘સમય નથી’નું બહાનું બહુ હાથવગું છે. પણ ‘મન હોય તો માળવે જવાય’ એ ન્યાયે ડિજીટલ પુસ્તકો વધી રહ્યાં છે, Kindle હોય કે Audible Apps, પ્રતિલીપી ઍપ…ઈચ્છા હોય તો ઉર્ધ્વગામી સાહિત્ય શોધી ખોળીને વાંચી શકાય. સવાલ એ છે કે આપણે આપણા માંહ્યલાને, આત્માને કયો ખોરાક આપવા માંગીએ છીએ? આ બધું લખવાનો ઉદ્દેશ્ય કોઈ ઉપદેશ આપવાનો નથી. અત્યારે જ્યારે સમસ્ત જગત Covid-19 ને કારણે સ્થગિત થઈ ગયું ત્યારે હાથમાં વણમાગ્યા વરદાનની જેમ આવી પડેલા ખાલી સમયનો આપણામાંથી કેટલા જણ સદ્ ઉપયોગ કરી શક્યા? એક પ્રજા તરીકે એક સંસ્કૃતિ તરીકે (ભૂતકાળની ભવ્યતાનાં ગુણગાન સિવાય) આપણે કેટલા સમજદાર, પુખ્ત, સ્વયં શિસ્તમાં માનનારા છીએ, એ હાલના સમયમાં આપોઆપ જાહેર થઈ ગયું.એ સજ્જતા, એ પુખ્તતા સારા સત્ત્વશીલ વાંચનથી આવે. આપણે એવા સમયના સાક્ષી બની રહ્યા છીએ જ્યાં એક છીછરી માનસિકતા ફૂલી-ફાલી રહી છે, પુસ્તકાલયો, પુસ્તકની દુકાનો બંધ થઈ રહી છે અને ફાસ્ટ-ફૂડ, ફૅશનનું મૉલ કલ્ચર વિકસી રહ્યું છે.

સસ્તી લોકપ્રિયતા, વાહ-વાહી કમાવા માટે રચાતા સાહિત્યની ભીડમાં મનને ખળભળાવી દે, ઝંકોરીને જગાડે, વિચારવા માટે મજબૂર કરી મૂકે એવું સર્જન કેટલું? પસંદગી તમારે કરવાની છે, તમારા ખુદને ખોખલાપણા, શૂન્યતાથી બચાવવા માટે.

અસ્તુ, નેહલ.

Image source: Pinterest 1) Gnome & Bow,

2) C. B. Wentworth

source : Pinterest Tp T pins

5 thoughts on “‘inmymindinmyheart’ ના ૬ વર્ષ…

    1. મનમાં જે હતું તે વ્યક્ત કરવાનું ગમ્યું, જે વિચારો મને આગળ વધતા રહેવાનું બળ પૂરું પાડે છે તે અહીં મૂકવા જેવા લાગ્યા. ખૂબ ખૂબ આભાર, તમારા પ્રતિભાવો લખતાં રહો, ખૂબ ગમે છે. ⚘⚘🙂

      Liked by 1 person

Comments are closed.