જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

*

સદા પાળ બાંધી હું વચ્ચે રહું છું,
સરોવરનું જળ છું વમળ હોય ક્યાંથી?

*

આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.

*

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ પર જાણે રાસ લાગે છે.

*

ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

*

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

*

દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી

*

સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

*

સમેટું મને કે બધે વિસ્તરું?
તને પામવા તું કહે તે કરું.

*

મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?

*

આંખમાં આંસુ છે હૈયામાં આગ,
જાણે પાણીમાં હવન લાગે છે.

*

તું કશું બોલે નહી ત્યારે બસ,
મૌન શબ્દોનું કફન લાગે છે.

*

આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે

*

વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

*

મને ઊંઘતો જોઈ રાજી રહે છે,
હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલટો.

*

જવલ્લે જ જોવા મળે પારદર્શક,
બરફરૂપે જળને જડ્યો વેશપલટો.

*

જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.

*

જેનું હૈયું શબ્દદાની હોય છે,
એની નોખી કાવ્યબાની હોય છે.

*

ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.

*

હવે આ સદનની સજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.

*

અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?

*

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

*

આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા
વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો

*

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

*

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.
- ગૌરાંગ ઠાકર