ભીનું છલ
મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે!
કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.
વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ સુહાનું મળે.
ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.
હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.
- મકરન્દ દવે (છીપનો ચહેરો ગઝલ)