અંધારું

આંખોને બિડતાં જ ઘેરી વળે છે મને ઘટ્ટ અંધકાર. 

મને અંધકાર ગમે છે.

મારું સમગ્ર અસ્તિત્વ વિસ્તરે છે નામ-રુપની સીમાઓની પાર.

હું મને અનુભવું છું, આકારોથી પર.

પ્રવેશી જાઉં છું;સ્પર્શ, ગંધ, સ્વરની સૃષ્ટીમાં સરળતાથી!

મારી આંખોને અંધ નથી કરી મૂકતા;

દર્પણોનો ચળકાટ,

ચિત્રોની જેમ ફ્રેમમાં મઢેલા ચહેરાઓ,

ચલચિત્રની પટ્ટીની જેમ ભજવાતી ઘટનાઓ.

મારા મનમાં ઊગતા ભાવો;

ઉતાવળા થઈ કૂદી નથી પડતા તૈયાર શબ્દોના બિબાંઓમાં

હું એમને જોઈ રહું છું

અંકુરિત થતાં બીજની જેમ

એની કૂંપળ અને મૂળને ફૂટતા.

અને પછી એ નવજાતને

ચૂંટી ચૂંટીને પહેરાવું છું મનગમતા

શબ્દો અને અર્થોના વસ્ત્રો.

એ શબ્દો વહી જાય છે સ્વર બની અને

એ સ્વરોના આગિયાઓના અજવાળે

ફરતી રહું છું તિમિરના જંગલમાં

પછી એ નાદના તેજ-બિંદુ પણ

વિલીન થઈ જાય છે અંધકારમાં

અને જંગલ વ્યાપી જાય છે મારા સમગ્રમાં

કસ્તૂરી મૃગની જેમ

અંધકાર લઈને ફરે છે

ઓજસનો મણિ

એ ઉજાસની નાભિ

સુધી પહોંચાડે છે મને

અંધકાર

નેહલ (30/07/2020)

my poems © Copyright 2020  Nehal

6 thoughts on “અંધારું- નેહલ

  1. સુંદર. આમ તો અંધારા ઉપર ઘણી કૃતિઓ છે. પ્રસ્તુત રચના અંધારા પર એક વિશેષ છાપ પાડતી રચના છે.

    Liked by 1 person

Comments are closed.