તડકો- નેહલ

આજે

બહુ દિવસો પછી

વાદળોને આઘા ખસેડીને સૂરજે ફેલાવી

આકાશે તડકાની રેલમછેલ

વાદળોને પહેરાવી સોનેરી કોર

અને ટાંકયા સોનેરી તારલા

એક ધસમસતી તડકાની નદી

વહી આવી મારી બારીમાંથી

સાવ અંદર…

ને…ફરી વળી ખૂણે ખૂણે

ભેજવાળા મન અને ઓરડામાં

મને હુંફાળી છાલકોથી ભીંજવી દીધી

મારા અંગ અંગ સોનેરી ઝળહળ ઝળહળ

જોઉં તો હું બની ગઈ લીલેરી ડાળ

અને મને ફૂટી રહી છે કૂંપળ અજવાસની.

  • નેહલ