ચૂંટેલા શેર – જવાહર બક્ષી
નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં
*
હું અનાદિ ઝંખના નિર્વસ્ત્ર છું
સત્ય છું પણ સાવ અંગત પત્ર છું
*
બે ક્ષણ વચ્ચે મેં જળસમાધિ લીધી
લો, આખું સમયનું ઝરણ પી ગયો
*
જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઈએ તે ઘર
એવું તે શું કે આખું જીવન જાય દ્વારમાં
*
ભ્રમ છું, વિકલ્પ છું, હું અજાણ્યો છું, પ્રશ્ન છું
હું દર્પણોની ભીડમાં ઘેરાઈ જાઉં છું
*
અહીં તારા દૂર હોવાની ભીંતો ઊગે અને
રોમાવલીમાં સ્પર્શના પડઘા ફરી વળે
*
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઈ જવાય છે
*
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે
દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે
*
એકાંત, મૌન, શૂન્યતા, અંધારું કે સ્વયમ્?
આ કોના ડરથી જોરથી વાતો કરાય છે?
*
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે
*
ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે
*
મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે
*
ન કંઈ સંભળાયું ન જોઈ શકાયું
મળ્યા મૂઢ શબ્દો ને પડઘાનું ધુમ્મસ
*
આ અચાનક આપ સામે છો અને ઈચ્છા જ ગૂમ
ઝટ દઈ સૂઝે નહીં કૈં માંગવું, નહીં માંગવું
*
આમ વિસ્મય કે અહીં છો, આમ ભય ચાલ્યા જશો
કૈંક કહેવું, ચૂપ રહેવું એકસરખું લાગવું
- જવાહર બક્ષી ( ‘તારાપણાના શહેરમાં’ )