ઓણુંકા વરસાદમાં – રમેશ પારેખ

આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત
તો આંગળીની ધારે હું વરસી શકત બધું

ઓણુંકા વરસાદમાં

ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરીકટ્ટ
એક અમે પોતે અને બીજો તારો વટ્ટ
નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ
નખ ઊગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર
અમે કમળની દાંડલી-- કરીએ શું તકરાર?
મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું
  • રમેશ પારેખ