કંઈક ઈચ્છાઓનું ધણ છે આયનામાં,
આગવું નિર્લેપ રણ છે આયનામાં.
ના તમે પામી શકો આભાસ, એવું;
આયનાનું બિંબ પણ છે આયનામાં,
શું વિચારો છો, ને શું ત્યાં નીકળે?
કલ્પવું કેવું કઠણ છે આયનામાં?!
પારદર્શક શી સપાટી માત્ર નહીં, પણ;
કેટલું ઊંડાણ પણ છે આયનામાં!
દુન્યવી ચર્ચા પછી મહોરા ઉતારી,
જાતસહ એકાદ ક્ષણ છે આયનામાં.
ભીતરે ઊતરી જઈને પામીએ-
સાવ સાંગોપાંગ જણ છે આયનામાં.
– હિમાંશુ જોશી ‘પ્રેમ’