હેપ્પી વુમન્સ ડે! – નેહલ

આજે ઈચ્છા તો હતી આરામથી ઊઠવાની; આમ પણ માંડ એક રવિવાર મળે છે, ઉપરથી આજે તો પાછો ‘હેપ્પી વુમન્સ ડે’! એણે પથારીમાંથી ઊઠીને ફોન હાથમાં લીધો. ‘હેપ્પી વુમન્સ ડે’ ના મેસેજીસથી વ્હોટસએપ ભરાઈ ગયું હતું. ‘એક સ્ત્રી હી કાફી હૈ ઘર કો સ્વર્ગ બનાને કે લિયે’ …વગેરે, વગેરે. “મમ્મી, મારું ડાર્ક બ્લૂ જીન્સ ક્યાં છે? કબાટમાં તો દેખાતું નથી”, મૈત્રીની બૂમ સંભળાઈ, નીરાનું મોં મલક્યું એનો થાક, આળસ ભૂલી ઊઠી જ ગઈ. પછીના એક કલાકમાં મૈત્રીની કૉફી, સાસુ અને પતિ મનનની ચા બનાવી, ગરમ ગરમ ઉપમાનો નાસ્તો સૌને આપી દીધો. મૈત્રી કૉેલેજની ફ્રેન્ડસ સાથે લોનાવાલા પિકનીક જઈ રહી હતી. એને સાથે લઈ જવા લીંબુપાણી, થેપલા, બિસ્કીટસ પૅક કરી આપ્યું. નીકળતી વખતે કૅપ, સનગ્લાસીસ, સનસ્ક્રીન યાદ કરીને લેવડાવ્યું. અમનને દોસ્તો સાથે ક્રિકેટ મૅચ હતી. એને પણ ઉઠાડીને પ્રોટીન સ્મૂધી ને ઑમલેટ બનાવી આપ્યા. એને બપોરના જમવા અંગે પૂછ્યું, ત્યારે બોલ્યો કે આજે તો ટીમમાં બે જણની બર્થ ડે છે એટલે ટ્રીટ આપવાના છે અને સાંજે  બેન્ડની પ્રેકટીસ માટે રવિના ઘરે બધા મળવાના છે, ત્યાં  જશે એટલે ડીનર પતાવીને મોડો જ ઘરે આવશે. મૈત્રી પણ રાત સુધીમાં આવવાની હતી એટલે એ લોકો પણ રસ્તામાં ડીનર પતાવીને જ આવશે એવું કહીને નીકળી ગઈ. નીરાને થયું; મનન સાસુજીને દેવ દર્શન કરાવી સત્સંગમાં મૂકી આવે તો પછી એની સાથે કશે બહાર જ લંચ પર જઈશું. એટલે ઉત્સાહમાં ઝડપથી રવિવારના કામો પતાવવા માંડ્યા. વૉશિંગ મશીનમાં કપડાં નાંખીને, ઘરમાં ડસ્ટીંગ કરી લીધું, પોતાની કૉફીનો મગ લઈ પાંચ મિનીટ બાલ્કનીમાં પ્લાન્ટસ પાસે ઊભી રહી. વ્હોસએપમાં ફેમિલીના ગ્રુપ પર મૈત્રીનો મેસેજ હતો. નીરાના ફોટોને ફોટોશૉપ કરીને ચૌદ હાથવાળી મલ્ટી ટાસ્કીંગ દેવી બનાવી ને નીચે લખ્યું હતું, લવ યુ મૉમ, યુ આર ધી મોસ્ટ વન્ડરફુલ વુમન આઈ હેવ એવર નોન. ‘હેપ્પી વુમન્સ ડે’!
મનન છેક નીકળતી વખતે બોલ્યો કે મમ્મીને સત્સંગમાં મૂકીને ક્લબમાં ઈનવેસ્ટમેન્ટસ અંગેના સેમીનારમાં જવાનો છે. એના બે-ત્રણ મિત્રો પણ જવાના છે, એમના આગ્રહને લીધે જ આ પ્રોગ્રામ અચાનક બની ગયો, પછી પાસે આવીને ધીમેથી કહે; “હેપ્પી વુમન્સ ડે.., ડાર્લિંગ આપણે તો વીક ડેઝમાં ક્યારે પણ સેલિબ્રેટ કરી શકીશું”, એ પરાણે એની સામે ફિક્કું હસી. પછી મનન એને હળવું ચુંબન કરી કહે; “મમ્મીને સાંજે સત્સંગમાંથી લઈ આવીશને” ? એને સાંજે આવતા લેટ થશે અને ડીનર પણ બહાર જ લેશે, એમ કહી નીરાના ગાલ પર હળવી ટપલી મારીને નીકળી ગયો. નીરા ખાલી પડેલા ઘરમાં થોડીવાર અન્યમનસ્ક જેવી સોફા પર પગ લંબાવી બેસી રહી. બાઈના ઉપરા ઉપરી બેલથી સફાળી ઊભી થઈ. બાઈએ ઝડપથી કચરા પોતા પતાવીને મશીનના ધોયેલા કપડાં સૂકવી દીધાં. કિચનમાં પ્રવેશીને કહે,” દીદી આજ દુપહેરમેં બર્તન કે લિયે નહી આયેગી. સિધ્ધિવિનાયક દર્શન કરકે ફ્રેન્ડસ લોગ કે સાથમેં પીક્ચર જાયેગી આજ વો ‘હેપ્પી હેપ્પી વુમન્સ ડે’ હૈ ન ઈસ લિયે.”  નીરાના મોં પર કૌતુકભર્યું સ્મિત આવ્યું. એને વાસણ કાઢી આપ્યા, રસોડું સાફ કરીને એ પણ ગઈ. એણે નાહીને સાસુની દેવ સેવા પતાવી, લેપ ટૉપ લઈને બેઠી. બિલો ભર્યા, આવતા વિકનું  પોતાનું ઑફિસનું શિડ્યુલ ચેક કર્યું. થોડી અરજન્ટ ઈ મેલ્સ વાંચીને એના જવાબ પણ આપી દીધા. પોતાનો અને મનનનો વોર્ડરોબ ઓર્ગેનાઈઝ કર્યો. અચાનક એને યાદ આવ્યું કે મનનને તો કાલે હૈદરાબાદ જવાનું છે. એની ઓવરનાઈટર બૅગ ઉતારી, સૂટને ઈસ્ત્રી કરીને બૅગ પેક કરી દીધી. અથાણાં અને મસાલાની બરણીઓ ધોઈ હતી તે તડકે મૂકી. હવે સિઝનના ભરવાના થશે. મૈત્રી અને અમનના રુમ સાફ કર્યા. કાર ઈન્સ્યોરન્સના રિન્યુઅલનો ચેક કુરિયર કરવા માટે રે઼ડી કર્યો. ફ્રિઝ સાફ કરવાનું યાદ આવ્યું, કરી દીધું, લાવવાની થયેલી વસ્તુઓની યાદી બનાવી. બીજા દિવસના ટિફીન માટે શાક લઈને સોફા પર સમારવા બેઠી. ટી વી ઓન કરીને. “હેપ્પી વુમન્સ ડે “…માટેની જાહેખબરો ઊભરાતી હતી ‘લવ યોર સેલ્ફ’, ‘પેમ્પર યોરસેલ્ફ’. પાર્લર અને સ્પામાં ૧૦ ટકા છૂટ, ડાયમન્ડ જવેલરીના મેકિંગમાં છૂટ અને કપડાંની પાર વિનાની બ્રાન્ડસ પર ઓફર્સ, કોસ્મેટિકસના ફ્રી વાઉચર. એક ચેનલ પર વુમન અચીવર્સનું સન્માન અને એમની મુલાકાત બતાવી રહ્યા હતા. એક બહેને પોતાના અચીવમેન્ટ( સફળતા )માટે પોતાના પતિ અને પરિવારના સાથ – સહકારને શ્રેય આપ્યું. તો કોઈએ કહ્યું  કે એ કામની સાથે પરિવારને પણ સમય આપે છે અને બંને જવાબદારીઓ ખૂબ સારી રીતે બેલેન્સ કરે છે, એમના મોં પર એ વાતનો ગર્વ દેખાતો હતો. એને થયું બિઝનેસ ચેનલ્સ પર સફળ પુરુષ એક્સિક્યુટીવ્સને તો કોઈ આવા સવાલ પૂછતું નથી??!  ભૂખ લાગી ત્યારે યાદ આવ્યું કે એણે પોતાના માટે લંચનું તો કાંઈ વિચાર્યું જ નહીં. એટલામાં સામેના ફ્લેટમાં રહેતા બાનો કોલ આવ્યો કે થોડીવાર માટે આવી શકે તો આવી જા. એને થયું એમની તબિયત તો ઠીક હશે ને! એમના દીકરાઓ પોતપોતના પરીવારો સાથે પરદેશમાં હતા. આખા દિવસની બાઈ હતી. એકવાર એમનું સુગર લો થઈ ગયું ત્યારે નીરાએ  જ એમને ચમચીભરી ખાંડનું પાણી પીવડાવી દીધું હતું અને રાત્રે જાતે ડ્રાઈવ કરીને હોસ્પીટલમાં લઈ ગઈ હતી. ત્યાર પછી તો દરરોજ એમની ખબર પૂછતી, એમને મોબાઈલ વાપરતા શીખવાડ્યો અને જયારે મળવા ન જઈ શકે તો એમને કૉલ કરી લેતી. એ થોડી ચિંતા સાથે એમના ઘરે ગઈ. બા તો સાવ સાજા નરવા બેઠા હતા. એને જોતાં જ કહે, “અહીં ડાઈનીંગ ટેબલ પાસે જ આવ.”  “તને જમવા જ બોલાવી છે, તેં જમી તો નથી લીધુંને?”  નીરાને સુખદ આશ્ચર્ય થયું. એનાથી બોલાઈ ગયું, “અરે બધાંના કામ પતાવવામાં મારું જમવાનું બનાવવાનું જ ભૂલી ગઈ!” “હમણાં એ જ વિચારતી હતી કે ઝટપટ બની જાય એવું શું છે.” બા બોલ્યા; “હું તારો સ્વભાવ જાણું છું, એક દિવસ તો પોતાના માટે કાઢતા શીખ.જો બધાં કેવાં પોત પોતાના કામે સવારમાં નીકળી ગયાં તારો વિચાર કર્યો કોઈએ?! મને તો આજે કાંઈ ચટપટું ખાવાનું મન થયું હતું. ત્યાં આ ઘણી વાર મંગાવું છું એ રેસ્ટોરન્ટમાંથી ડિસકાઉન્ટની કૂપન આવી, આજે ‘હેપ્પી વુમન્સ ડે’ ખરોને, મને તું યાદ આવી અને સવારથી હું મારી બાલ્કનીમાં બેઠી બેઠી જોઈ રહી છું, બધાંને તારા ઘરમાંથી નીકળતા એટલે મેં પ્રોગ્રામ પાકો જ કરી દીધો કે આજે તારી સાથે હેપ્પી વુમન્સ ડે સેલીબ્રેટ કરવો જ છે. ચાલ હવે જમવા બેસી જઈએ, મને બહુ ભૂખ લાગી છે.”

નિરાંતે પેટ ભરીને પંજાબી ખાવાની મજા આવી, બાને થેન્ક યૂ કહીને, એમને વ્હાલથી ભેટીને ઘરે આવી. મોબાઈલ પર દસ મિસ્ડ કૉલ્સ હતા, એની ખાસ બહેનપણી સીયાના. એને ફોન જોડીને આરામથી સોફા પર લંબાવ્યું. સીયા પહેલા તો બહુ ગુસ્સે થઈ, પછી સામે વાળાં બા સાથેની લંચ પાર્ટી વિશે સાંભળીને બહુ ખુશ થઈ. એ કહેવા માંડી, “આળસ આવે અને સૂઈ જાય એ પહેલાં ફટાફટ મારા ઘરે આવી જા, મારા પાર્લરમાંથી ડિસ્કાઉન્ટ કૂપન આવી છે. થોડું પોતાની જાતને પૅમ્પર કરીશું, થો઼ડું શૉપિંગ કરીશું અને બહાર ડિનર કરીને જ આવીશું.” નીરા એને વચ્ચેથી અટકાવીને કહે, “સાંજે માજીને સત્સંગમાંથી લેવા જવાનું છે વહેલા પાછા આવી જશું.” સીયા કહે, “એનો પણ ઉપાય છે મારા સાસુ પણ ત્યાં જ ગયાં છે મારા પતિદેવ એમની સાથે સાથે તારાં સાસુને પણ લઈ આવશે અને એમને માટે જમવાનું આપણે પાર્સલ લઈ આવીશું, તો તું આવી જા હું તારી રાહ જોઉં છું.”  નીરાનો મૂડ સરસ થઈ ગયો. સાંજ ક્યાં વીતી ગઈ ખબર જ ના પડી. રાત્રે નવ વાગે ઘરે પહોંચી તો મનન ધૂંઆપૂંઆ થઈ રહ્યો હતો; ” તને કેટલા કૉલ કર્યા, ઉપા઼ડતી કેમ નથી?” નીરાને યાદ આવ્યું કે પાર્લરમાં મસાજ કરાવતી વખતે ફોન તો સાયલન્ટ પર મૂકી દીધો હતો. આમપણ એને મોબાઈલ  વારે વારે જોવાની આદત ન  હતી.  સાસુ માટે લાવેલું ખાવાનું ગરમ કરી એમની થાળી પીરસી, એ જોઈને મનન કહે; “મારા ડિનરનું શું?”  નીરા કહે,” તેં ક્યાં કાંઈ કહ્યું હતું, તું તો મોડો આવવાનો હતો ને,” પછી હસતાં હસતાં કહે, “હવે તારું ભાવતું કાંઈ મંગાવી લે, હેપ્પી વુમન્સ ડે! હું તો બહુ જ થાકી છું. છોકરાં હવે  આવતા જ હશે. હું હવે સૂવા જઈશ, ગુડ નાઈટ.”
~ નેહલ

  • my stories © Copyright 2020  Nehal