ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

એકતરફી લાગણીની આ પળોજણ હોય છે,
બારણાં વિનાનાં ઘર ને મોટું આંગણ હોય છે.

કોઈ સુખદુઃખના પ્રસંગે બે ઘડી ડોકાઉં છું,
મારું મારાથી પડોશી જેવું સગપણ હોય છે.

નાના મોટા એકબીજાને સતત દેખાઈએ,
આપણામાં એક કાયમ હલતું દર્પણ હોય છે.

કોણ છે જે રંગ લીલો ઉડવા દેતું નથી?
આમ તો વર્ષોથી સુકાયેલાં તોરણ હોય છે.

કોક ખૂણામાં હજી ઊઠબેસ આશાની રહી,
એક આ પણ મારી ઉદાસીનું કારણ હોય છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ