તું આવ જરા બાજુમાં બેસ
આંખોમાં ખળખળતી નદીઓએ પહેર્યો છે રેતીનો સૂક્કો ગણવેશ

તું આવ સ્હેજ બાજુમાં બેસ
નકશામાંથીય કોઈ ચોરી ગયું સાત સપનાનો લાડકો પ્રદેશ

તું આવ કદી બાજુમાં બેસ
છેલ્લું ચોમાસુંય છાંટી દીધું છતાં સળગે છે શ્વાસની રવેશ

તું આવ અને બાજુમાં બેસ
તૂટેલો ચાંદ અને પાનખરી ઝાડ મારી કુંડળીમાં બાકી છે શેષ

તું આવ હવે બાજુમાં બેસ
એક પગે જન્મારા ચાલ્યાનો થાક, બીજા પગમાં છે ભવભવની ઠેસ
– મુકેશ જોષી