તોય કાયમ જાય ચૂકી ટ્રેન, તક, અવસર સતત
લોક જે દોડ્યા કરે છે ક્યાંય રોકાયા વગર.

સતત શ્વાસ એના ભરી ના શક્યો,
ગમ્યાં સર્વ અત્તર ઘડી – બે ઘડી

તું જ તો હર્ષ દ્વિધામાં કાયમ રહ્યો,
યુધ્ધ તેં બેઉપક્ષે નિરંતર કર્યું.

એમાં જ હું વણતો રહું છું રંગ સૃષ્ટિના
મારી ગઝલના પોતમાં મારો કબીર છે

તું દુઆથી માપ એનું કાઢશે?
એમ કૈં થોડો ખુદા સસ્તો બને!

રોજ ખેંચાયા કરે, ખૂટે નહીં
શ્વાસરૂપે દ્રૌપદીનું ચીર છું!

આ કાચઘરમાં શું અમાસ? શું પૂનમ વળી?
થઈ ગઈ છે સ્વયં દરિયો, ઓટ, ભરતી માછલી

ક્યાંક ફસડાઈ ગઈ દુઆઓ તો,
બદદુઆઓ અસર સુધી પ્હોંચી!

વરસોવરસ ઉઝરડાવું
અને મૂળમાં ઈચ્છા એક

જેમની ઊર્જા મળે છે વિશ્વને
એ બધા એકાંતવાસી હોય છે

કોઈ નહીં આવે હું માની આંખ મીંચીં દઉં અને
પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે

હર્ષ બ્રહ્મભટ્ટ