અશ્મીભૂત થતા ભસ્માસૂર આપણે – નેહલ

સરકતી જતી કાળની ગર્તામાં
અશ્મીભૂત થતા આપણે
થોડીક સદીઓની જણસને વળગી
આજને મૂલવવાની રમતમાં ગળાડૂબ
સદીઓ પારના અંધારા ખડખડ હસે છે
આપણા મહાનતા, શ્રેષ્ઠતાના દાવાઑ પર.
આ ગહન બ્રહ્માંડ નું એક ટપકું માત્ર
એને ઘૂંટી ઘૂંટીને સૂર્ય બનાવવાની મથામણમાં
ભડ ભડ બળતા, બૂઝતા આપણે.
વહેતી, લુપ્ત થતી નદીઓ
હતા, ન હતા થતા નગાધિરાજો
તૂટતા-જોડાતા ભૂમિ ખંડોથી
કાંઈ શીખ્યા નથી.
કોની ભૂમિ? કોણ વસે? ક્યાં સુધી?
કિલ્લાઑના, મહેલોના ધૂળ રજોટાયલા
સિંહાસનોથી
કાંઈ સમજ્યા નથી
કોણ શત્રુ? કોણ મિત્ર? ક્યાં સુધી?
બદલાતી સરહદો, બદલાતા નકશાઓથી
કંઈ જાણ્યું નથી.
વરદાનોને સર્વનાશના,   સ્વનાશના  કારણોમાં
બદલતા ભસ્માસૂરો આપણે
ક્યારે અટકીશું? ક્યાં અટકીશું?
– નેહલ

image source: devdutt.com

……………………….