હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ

આ વૃક્ષ;
હજુ થોડા દિવસો પહેલાં તો હતું
ઘટાદાર,
ક્યારે પાંદડીઓ પીળી થઈ?
અને હવે ઊભું છે
ખેરવીને સઘળું
મુક્ત, શાંત!
કેવું સરળતાથી અને ત્વરિત
ત્યાગી શકે છે બધું!
અને એવું જ
તૈયાર છે
નવી કૂંપળોને આવકારવા
આ વૃક્ષ.
– .. .. .. .. .. .. –

નિષ્પર્ણ વૃક્ષ
શું પાનખર આવી ગઈ?
હજુ થોડા દિવસો પહેલાં તો એ
હતું હર્યું ભર્યું!
શું સમયની ગતિ ય મનની ગતિ જેટલી જ હશે?
કે હું બની ગઈ છું કાલાતીત!
સમય-પત્રકની બહાર છે
ઋતુઓની આવન-જાવન
અને કેલેન્ડરના મહીનાઓ થઈ ગયા છે
છેતરામણા
ત્યારે
આ આસપાસ વીંટળાઈને વહેતી
શરીરને સ્પર્શીને કાંઈ કહેતી હવા
કહે
એ જ ઋતુ.
.. .. .. .. .. ..

જ્યારે હું શાંત થઈને સાંભળું છું ત્યારે
આસપાસના અસંખ્ય
જાણ્યા-અજાણ્યા અવાજો
બની જાય છે
મારો અંદરનો અવાજ
વહેતી હવાના ઘૂઘવાટની
પાર સંભળાય છે
એક અવિરત ધબકાર
જે વર્ષોથી…
એમ જ હતો
એમ જ છે
એમ જ રહેશે
એને ક્યાંય પહોંચવું નથી
એને કોઈ ઉતાવળ નથી
એને કાંઈ મેળવવાનું નથી
એને કશું ગુમાવવાનું નથી
એ જ શું સત્ય હશે
મારી અંદર પણ?
** ** ** ** ** **

પ્રેરણાની પાંખો
નથી કોઈ જાદુઈ છડી, પરીની
કે નથી કોઈ યુનિકોર્ન પાંખાળો
જે લઈ જાય મને
દૂર- સૂદૂરના અગોચર, અલૌકિક પ્રદેશમાં
એ તો છે ઇજન આપતી હવાની લહેરખી યા
કોઈ સખીએ કરેલો સાદ
ખેંચી જાય છે મને
રોજના જ રસ્તાઓ પર
રોજની દુનિયાના જ શોરબકોર વચ્ચે
એક નવી જ ધબકતી દુનિયાની
ઓળખાણ આપવા.
– નેહલ

my poems © Copyright 2020  Nehal

6 thoughts on “હું, વૃક્ષ, હવા અનેે કવિતા – નેહલ

Comments are closed.