સંભારણાંની સાખે – લાલજી કાનપરિયા

સંભારણાંની સાખે

સંભારણાંની સાખે તારું નામ લખ્યું વાદળમાં
લથબથ ચોમાસુ ત્યાં વરસ્યું તને લખેલ કાગળમાં!

અક્ષર થયાં ખળખળતાં ઝરણાં, શબ્દો ઘોડાપૂર
લાગણીઓની ધસમસ ધસમસ નદિયું ગાંડીતૂર!
ભારઝલ્લી કૈં સકલ ક્ષણો ડૂબી ગૈ જળજળમાં
સંભારણાંની સાખે તારું નામ લખ્યું વાદળમાં

નજરુંમાં આવી ચડી છે શેરી એક રઢિયાળી
આછું આછું મલકતી એક છબિ અમે ત્યાં ભાળી!
જૂના દિવસો ફરી થયા છે કલબલતા એક પળમાં!
સંભારણાંની સાખે તારું નામ લખ્યું વાદળમાં
– લાલજી કાનપરિયા