કાચના વાસણની સાથે

કાચના વાસણની સાથે જીવવાનું
ફૂટવાની ક્ષણની સાથે જીવવાનું

પ્યાસની પલટણની સાથે જીવવાનું
આ સમંદર, રણની સાથે જીવવાનું

ચાલવાનું ઠેસ ઠોકરથી બચીને
આંધળી અડચણની સાથે જીવવાનું

ને ટપકવાનું નહિ એકે ય ટીપે
છાતીએ ઝારણની સાથે જીવવાનું

માખીઓ ઊડાવવા મથ્યા જ કરવું
પ્રશ્નની બણબણની સાથે જીવવાનું

પારખું કરવું ન પાસેના કળણનું
છળભર્યા સગપણની સાથે જીવવાનું

એક પણ કારણ જીવાડે નહિ અહીં, ને
કેટલા કારણની સાથે જીવવાનું

સંગ પણ એવો ફળ્યો છે ખોળિયાને
ખેસ ને ખાંપણની સાથે જીવવાનું
– કિસન સોસા (તૃષિત સૂર્ય)