The world is so full of a number of things,
I’m sure we should all be as happy as kings.
– Robert Louis Stevenson
………..

ખુશી, સુખ, આનંદ…કાંઈ કેટલાય નામ આપો, ખરીદી નથી શકાતું. આખી દુનિયા એને શોધે છે. કોઈ પદ-પ્રતિષ્ઠામાં, કોઈ ધન-સંપત્તિમાં, કોઈ યુવાનીમાં, કોઈ ધર્મ-સંપ્રદાયની પ્રવૃત્તિઓમાં, કોઈ સંતાનોની પ્રગતિમાં તો સભા-મેળાવડાઓની વાહવાહીમાં. પણ જો આ બધામાં મળતું સુખ સાચું હોત તો દુનિયાના આ બધું મેળવનારા લોકો ખૂબ સુખી હોત. પણ આપણે સૌએ અનુભવ્યું છે, જોયું છે કે આ બધું મળ્યા પછી પણ પેલું ‘સુખ’, ‘નિર્ભેળ આનંદ’ વેંત છેટે જ રહી જાય છે. એ બધું મેળવ્યા પછી એ ઓછું થઈ જશેની ચિંતા, ‘હવે પછી નહીં રહે તો’ નો ડર, ‘બીજાનું મારા કરતાં વધારે છે’ ની ઈર્ષ્યા કે ‘હજુ આ મેળવવાનું તો રહી જ ગયું’ની લાલસા માણસના મોં આગળ ગાજર લટકાવીને દોડાવ્યે રાખે છે અને એ ક્યારેય સાચી ખુશી મેળવી નથી શક્તો, મેળવ્યા પછી ખરા દિલથી માણી નથી શક્તો. રોબર્ટ લૂઈ સ્ટીવન્સનની ઉપરોક્ત પંક્તિઓ એક વેધક સત્ય રજૂ કરે છે. આ સુંદર જગતની અનેક અજાયબીઓ, નાનાં નાનાં આશ્ચર્યો,પ્રકૃતિનું અમાપ સૌંદર્ય, માનવ-સંબંધોની સુંદર પળો, આટલું બધું આપણી પાસે હોય તો પ્રત્યેક જણ રાજાની જેમ સુખી હોવો જોઈએ. પણ આપણી તો આ બધી ખુશી તરફ નજર પડતી જ નથી. આપણી ખુશી તો આંકડાઓમાં, બ્રાન્ડનેમમાં, હજુ વધુ, હજુ વધારેની ક્યારેય ન અટકતી દોડમાં ગૂંચવાઈને દમ તોડી દે છે.
આજે સાચી ખુશી, સાચા સુખને વ્યાખ્યાયિત કરતું એમિલી ડિકીન્સનનું એક નાનકડું, અદભૂત કાવ્ય અહીં મૂકતાં બહુ આનંદ અનુભવું છું. મને ‘નિરુદ્દેશે’ કાવ્ય યાદ આવી ગયું. અહીં રસ્તે રઝળતા પથ્થરનું પ્રતિક વાપરી સુખી માણસની વ્યાખ્યા કરવામાં આવી છે.આ જીવનના રસ્તા પર એનું ભ્રમણ નિરુદ્દેશ છે, આ કે તે લક્ષ્ય મેળવવા માટે નથી, હા, એને પડકારોનો ડર નથી અને પોતે માર્ગમાં કેટલો આગળ વધ્યો એની ચિંતા પણ નથી. શું આપણે પણ આવું તાણમુક્ત, રોજબરોજના કામના દબાણ વિનાનું જીવન નથી ઈચ્છતા? સમગ્ર બ્રહ્માંડના તત્વોથી બનેલો,આ નાનકડો પથ્થર પ્રકૃતિના બળોથી પોતાના રસ્તા પર ગતિ કરે છે પણ કોઈ જાતનો ભાર અનુભવ્યા વગર. કાશ, આપણે પણ આવી પડેલી જવાબદારી, ફરજો, નિરપેક્ષ થઈને સહજ રીતે નિભાવતા શીખી જઈએ, ખુદને બ્રહ્માંડની વિરાટ યોજનાનો હિસ્સો સમજી જીવન જીવતા શીખીએ તો ‘હેપ્પી લિટલ સ્ટોન’ની જેમ જ સુખી રહી શકીએ, ખુશ રહીએ.

How happy is the little Stone
That rambles in the Road alone,
And doesn’t care about Careers
And Exigencies never fears —
Whose Coat of elemental Brown
A passing Universe put on,
And independent as the Sun
Associates or glows alone,
Fulfilling absolute Decree
In casual simplicity —

Emily Dickinson (1830-86)

કેટલો ખુશ છે આ નાનકડો પથ્થર
જે નિરુદ્દેશ રખડી રહ્યો છે એકલો પથ પર
અને બેફિકર છે પોતાની પ્રગતિ વિષે
અને ડરતો નથી પડકારોથી–
એનું જન્મજાત બદામી આવરણ
જાણે ધારણ કર્યું છે બ્રહ્માંડ ક્ષણવાર
અને સ્વતંત્ર સૂર્ય જેવો
ઝળહળે છે સૂરજ સાથે અને એકલો
બજાવે છે પૂર્ણ ફરમાન
પોતાની સહજ સાદગીથી-
સરળ ગુજરાતી અનુવાદ- નેહલ