Love’s Philosophy- પ્રેમની ફિલોસૉફી

દુઃખ, પીડા પછી બીજી સર્વવ્યાપી લાગણી છે… પ્રેમની.

પ્રેમ જ સમગ્ર સૃષ્ટિની રચનાનો પાયો છે. સૃષ્ટિના ઉદ્ભવમાં આ અગમ્ય, અદમ્ય ખેંચાણ રહેલું છે. એકકોષી જીવથી અનેક-કોષી જીવ બનવાની ઘટનામાં પણ આ સર્જક બળ રહેલું છે. પ્રેમ કરનાર અને પામનાર બંને એક અદ્ ભૂત સર્જનનું કારણ, એક અનન્ય સર્જનના ભાગ બને છે પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ કર્યા પછી વ્યક્તિ પહેલાં જેવી નથી રહી શક્તી એના વ્યક્તિત્વમાં પ્રેમની સુગંધ, પ્રેમનું તેજ ભળી જતાં એક નવું જ વ્યક્તિત્વ સર્જાય છે.લોકો કહે છે પ્રેમના અનેક પ્રકાર હોય છે પણ મને લાગે છે કે પ્રેમ તો એક જ શુધ્ધ સ્ફટિક જેવો શાશ્વત ભાવ છે આપણે આપણા સ્વાર્થ અને અહમ અનુસાર ફાવતા અર્થઘટન કરીએ છીએ.  લોકો કહે છે કે પ્રેમમાં ઈર્ષ્યા, માલિકીભાવ, શોષણ, પીડા હોય છે, તો મને કહેવું છે કે એ પ્રેમના નામે કાંઈ બીજું જ કરી રહ્યા છે. હા, પ્રેમ સતરંગી ઈન્દ્રધનુષ જેવો છે. એમાં પ્રતિક્ષાની બેચેની, મિલનનો ઉમંગ , વિરહનો તલસાટ અને મિલન પછી તરબતર છલકાઈ ગયાની લાગણી જેવા ભાવો મનાકાશને ભરી દે છે. પ્રેમ તમારા સમગ્ર અસ્તિત્વને ઊંડાણથી સ્પર્શે છે, તમને તમારી સાથે મેળવી આપે છે. પ્રેમ મુક્ત કરે છે, જે બાંધે છે એ પ્રેમ નથી. ઈચ્છાઓનો ઉદ્ ભવ પ્રેમ નથી, પ્રેમ ઈચ્છાઓનું શમન છે. પ્રિયપાત્રને ચાહ્યા પછી કશું ચાહવાનું રહેતું નથી.
               પ્રસ્તુત રચનામાં મહાન કવિ પી બી શેલી સમગ્ર સૃષ્ટિને પરોવી રહેલા પ્રેમ-ગાનને નિહાળે છે, અનુભવે છે અને પ્રિયતમાને પૂછેલા પ્રશ્ન દ્વારા સમગ્ર માનવજાતને પ્રશ્ન પૂછે છે કે આ સર્વવ્યાપી, સહજ લાગણીથી કોણ વણસ્પર્શ્યુ રહી શકે? શા માટે રહેવું જોઈએ?

…………………………………

Love’s Philosophy

I.
The Fountains mingle with the river
And the rivers with the ocean,
The winds of heaven mix for ever
With a sweet emotion;
Nothing in the world is single,
All things by a law divine
In one another’s being mingle—
Why not I with thine?

II.
See the mountains kiss high heaven
And the waves clasp one another;
No sister-flower would be forgiven
If it disdain’d its brother:
And the sunlight clasps the earth,
And the moonbeams kiss the sea—
What are all these kissings worth,
If thou kiss not me?
Percy Bysshe Shelley
1792-1822
………….

પ્રેમની ફિલોસૉફી

ઝરણું જઈ મળે સરિતાને
અને સરિતાઓ સમાય સાગરમાં,
સ્વર્ગની હવાઓ નિત્ય ભળતી રહે
એક મધુર લાગણી સાથે;
આ સંસારમાં રહે ના કોઈ એકલવાયું
એક દૈવી નિયમ જોડે સર્વને
એક-મેકની સાથે બનાવી યુગ્મ–
હું કેમ ન જોડાઉં તારી સાથે?

જો પર્વતો ચૂમી રહ્યા ઉન્નત ગગનને (સ્વર્ગને)
અને તરંગો ગૂંથાઈ રહ્યા એક-મેકમાં;
ફૂલને  માફી ના મળે જો કરે
અવહેલના બીજા ફૂલની:
અને સૂર્યનો તેજોવલય વીંટળાઈ રહ્યો ધરતીને,
અને ચાંદરણાં ચૂમી રહ્યાં સાગરને–
આ સમગ્ર સૃષ્ટિનાં પ્રેમ ચુંબનોનો શું અર્થ છે,
જો તું ચૂમે ના મને?
પી બી શેલી (1792-1822)
સરળ ગુજરાતી અનુવાદ: નેહલ