કવિતા એ સમાજનો આયનો છે, માનવજીવનની ક્ષણોને પ્રતિબિંબીત કરતું દર્પણ છે, આપણે સૌ એ વાત જાણીએ છીએ. પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ત્રીજા મણકામાં આવા જ ચિરંતન, સર્વવ્યાપી ભાવોને ઉજાગર કરતી કવિતાઓ રજુ કરવાની ઈચ્છા છે. પાંચ જુદી જુદી લાગણીઓ, સંવેદનાઓને વ્યક્ત કરતાં કાવ્યો.
                         સૌથી પહેલી લાગણી પીડા, દુઃખ, વેદના. પહેલી વેદના જ કેમ તો એનો જવાબ એ છે કે એ જ માનવજીવનનું પ્રથમ અને અંતિમ સત્ય છે. જન્મવાની, જન્મ આપવાની પીડાથી શરૂ થઈને મૃત્યુ સુધીની યાત્રામાં પીડાના અનેક પડાવો આવતા રહે છે. વેદના જ વેદ સુધી દોરી જાય છે. પીડાના ટાંકણાએ અદ્ભુત મહામાનવો સર્જયા છે. બીજાની અને પોતાની સાચી ઓળખ દુઃખની ઘડીમાં જ થાય છે.
                   પ્રસ્તુત કાવ્ય મૃત્યુની ઘટના, તેનાથી આવી પડતા અફર વિયોગની લાગણીને ‘આટલું આસાન’ કહીને વધુ ઘેરું બનાવે છે, આપણને ઊંડાણથી સ્પર્શીને હલબલાવી મૂકે છે.અહીં સ્વજનને ગુમાવ્યાની વેદનાથી ય વધારે જીવનભર વધુ સારી રીતે ઓળખી ન શક્યાની વેદના તીવ્ર શૂળ બનીને વીંધે છે. મૃત્યુની ઘટના અંગત પરિપ્રેક્ષ્યમાં શું છે અને સામાજીક વ્યવહારની દ્રષ્ટીએ શું છે એ વાત કવિએ બહુ અદ્ભુત રીતે રજૂ કરી છે.
– નેહલ
…………..

દુઃખ આટલું આસાન બની શકે

દુઃખ આટલું આસાન બની શકે-
મને એવો ખ્યાલ જ નહોતો.
આંસુના ધોધ નહીં,
ભારે શ્વાસ કે નિઃશ્વાસ નહીં,
ગુમાવ્યાનું દુઃખદાયક કલ્પાંત નહીં.

ના, દુઃખ આસાન હતું ઃ
હકીકતનો સ્વીકાર (છેવટે)
એટલો સૂકો અને અર્થ વિનાનો આઘાત,
વાતચીતો — ચા-પાણી ચાલતાં હોય–
મૃતની આસપાસ ઘરડાંઓ બેઠાં હોય.

ત્યાં તેઓ બેઠાં હોય, બોખાં, પળિયાવાળાં અને ઘરડાં,
કોણીથી ગોદા મારતાં, ઉધરસ ખાતાં, ઢીલુંપોચું હસતાં,
એકબીજાને ગોદા મારતાં અને મૃતની આસપાસ ગોઠવાતાં,
બર્થ-ડે કેકની આસપાસ બેઠેલાં બાળકો જેવાં.

મૃત્યુ પણ આટલું આસાન હતું –
મને એવો ખ્યાલ જ નહોતો.
બસ આટલું જ ઃ લાંબા થઈને સૂઈ જવાનું
શાંત અને ઠંડા,
હવે તમે સૂતા છો
એટલા શાંત, એટલા ઠંડા!
મેં તમને વધારે ઓળખ્યા હોત તો કેવું સારું!
આટલી નિકટની હુંફ સુધી મારા આ હાથ પહોંચ્યા હોત તો કેવું સારું!
અને હવે હુંફ અગ્નિમાં વિલાઈ ગઈ છે.
– શ્યામાશ્રી દેવી
અનુવાદ ઃ જયા મહેતા

2 thoughts on “દુઃખ આટલું આસાન બની શકે

Comments are closed.