ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો ..
લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા. પછી છોને વરસતો મેઘ અનરાધાર
– નેહલ
મને એક લાલચટ્ટક સૂરજ આપો
એક પારદર્શક ભૂરી નદી આપો
બાકી બધું હું સર્જી લઈશ
– નેહલ
પ્રિય વાચક મિત્રો,
પાંચમી વર્ષગાંઠની ઉજવણીના પહેલા મણકામાં ત્રણ ભાષાઓમાં બ્લોગ પર સૌથી વધુ વખત વંચાયેલી મહાન કવિઓની અવિસ્મરણીય રચનાઓ માણી, હવે બીજા મણકામાં મારી લખેલી અને આ બ્લોગ પર વિતેલા વર્ષોમાં સૌથી વધુ વખત વંચાયેલી ત્રણેય ભાષાઓની રચના માણીશું. અને ત્રીજા મણકામાં… હમણાં સરપ્રાઈઝ જ રાખું છું.
પાનખર (Posted on October 15, 2016)
તારા માટેની
સાચવેલી ક્ષણો, સ્પંદનો, લાગણી
સંઘરું? વહેંચું?
અસમંજસમાં બેઠી છું!?
ગુલમ્હોર તો… સૂકી, પીળી પાંદડી ઝરતો
કૂંપળો સાથે ગોષ્ઠીમાં મગ્ન.
પારિજાત…કોમળ, મૃદુ પુષ્પોને
પરવા કર્યા વિના ખેરવતું.
બદામડી…બધાં જ સૂકા પાંદડા ખંખેરી
મુક્ત થઈ ખુદને શણગારે લીલી પાંદડીઓથી.
બધાં જ નિષ્ઠુર છે !?
શું હું ય તને ભૂલી જાઉં??
– નેહલ
………………………
પારિજાતની છાબડી (Posted on April 20, 2018 )
રાત રહી તરફડતી સહરાની તરસે,
ઢોળાતું રહ્યું મૃગજળ ચાંદનીનું આસમાની ફરસે.
……
પાંપણોની કિનારીએ અટક્યા મેઘ,
અને આ આંખ્યુંની ધરતી કોરી-ધાકોર.
………
ભટકું છું તારી શોધમાં જયાં-ત્યાં,
લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ.
…….
તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇને,
શ્રધ્ધા મારી પથરાતી જાય મૂળિયાં થઇને.
……
લાગણીઓનાં ઠેકાણા હોતતો, સંબોધનોમાં સરનામા હોત;
લાગણીઓનાં ઠેકાણા હોત તો, શબ્દોમાં સરનામા હોત.
………
તું નથી ,સૂર્ય નથી ,તારી
યાદ ચમકે છે આગિયા બની.
….
ભૂતકાળનું ઉઘડ્યું દ્વાર જરીક,
લો ફેલાયાં યાદોનાં ચાંદરણાં.
….
અંતરનાં અજવાળાં એવાં ફેલાયાં ચારેકોર,
અમાસની રાત પણ લાગે જાણે બીજની કોર.
– નેહલ
…………………………
એક આકાશી લવ-સ્ટોરી (Posted on July 3, 2015)
મારી અને આકાશની પ્રિતનું પ્રાગટ્ય ક્યારે થયું હશે ?
ખબર નથી.
ક્યારથી આકાશ અહીં છે ?
ખબર નથી.
હું પહેલવહેલ્લી ક્યારે જન્મેલી ?
ખબર નથી.
તાકતી રહું હું, એની આંખોમાં
અને એ મારી આંખોમાં ફેલાય.
શીતળ સ્પર્શ બની વિંટળાય એની ચાંદની
ઘેરે એના હુંફાળા શ્વાસો બની મને તડકો
મીંચુ હું આંખો ને
ભીંજવે બની ફોરાં હળવા મધુર ચુંબનો
ઉન્મત્ત વરસે ઝડી ક્યારેક ધોધમાર એનો પ્રેમ.
વળી સાવ નિરાળી શાંત નિલી આભા,
સમાવી લે એના ઊંડાણોમાં મને
ગંભીર સ્વસ્થ પ્રસન્ન મુદ્રા.
ખેલે વળી હાય નટખટ!
સંતાકુકડી છૂપાઇ વાદળો પાર.
શોધતી રહું એને ખૂંદી ઘનઘોર ઘટાઓ,
ધોળા ધુમ્મસને ભેદતી ભેદતી.
પહોંચે ના પહોંચે મારા પોકારો એને,
ઓઢી લે એ અંધકારની પછેડી.
શોધું એની ચમકતી આંખો તારાઓમાં
અને એ ગહન, મૌન
હળવેકથી પાછળથી આવી,
નીકટથી મને જાય સ્પર્શી
માંડે પ્રેમ-ગોષ્ઠી
એની પછેડીના છેડામાં છુપાવી.
– નેહલ
……………………………………..
એક અછાંદસ વરસાદી સાંજ ( Posted on July 21, 2015)
ઘાટઘૂટ વિનાના ધરતીના વાસણને ,
એવાં જ વાંકાચૂકા વાદળોના ઢાંકણ .
આવ્યા પાછા ભૂખરા દિવસો.
સામેના સઘળા દૃશ્યોને
ફેરવે છે કાળી-ધોળી પીંછી
લે સમયની ગતિને બાનમાં
વરસે મુશળધાર ઝડી ,
આવ્યા પાછા ગોકળગાયની ઝડપે સરતા દિવસો.
હુંફાળી સુરજની આગ પર
નાંખે કોઈ રાખની પછેડી.
ભીની થથરતી કબૂતરની પાંખ
એક સરખા તાલબદ્ધ મલ્હારના રાગમાં ટહુકાઓ સહુ ડૂબ્યા.
આવ્યા પાછા દેડકાં ની ડ્રાઉં ડ્રાઉં ની તાલે તમરાં ની તાનના દિવસો.
– નેહલ
…………………………
મિલન-જુદાઇ (Posted on February 2, 2015)
આવો, આપણ મળીએ એવાં ,
જ્યમ ડાળ પે બુલબુલ ગાઈ ઉઠે.
અને વિખૂટાં પડીએ ત્યાં તો ,
પુષ્પ સુગંધ પમરાઈ ઉઠે .
વિદાયવેળાએ જો જો ક્યાંય
અશ્રુ નયન છલકાઈ ઉઠે.
સ્નેહ ધાર વરસાવો મેઘીલ
ધરતી પણ મલકાઈ ઉઠે.
સ્મિત હસો ઝાકળબિંદુ શાં
ફૂલો પર પથરાઈ ઉઠે.
મિલન હો એવું મેઘધનુષ
રંગછટા શરમાઈ ઉઠે.
વિરહ-રૂપ તો સાંધ્ય ગગન નું
સુરમયી ક્ષિતિજ છવાઈ ઉઠે.
– નેહલ
………………..
Poetry, my poems © Copyright 2014-2019, Nehal