મારા બ્લોગના વાચકમિત્રો, આ ઉજવણી તમારા સૌની પ્રત્યે ખરા દિલથી આભાર વ્યક્ત કર્યા વિના અધૂરી છે.
એવું લાગે છે કે હજુ ગઈકાલે તો આ બ્લોગ શરુ કર્યો હતો, અને પા-પા પગલી ભરતાં ક્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ન પડી. જો આંકડાઓની ભાષામાં વાત કરીએ તો 16,550 થી વધારે લોકો વિશ્વના નાના-મોટા 50 દેશોમાંથી અહીં  30100 થી વધારે વખત મુલાકાત લઈ ચૂક્યા છે. મારી ખુશનસીબી છે કે આ પાંચ વર્ષમાં આ બ્લોગ પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ મળીને 518 જેટલી પોસ્ટ મૂકી શકી છું જેમાં મારી પોતાની રચનાઓ 138 છે. ફરી એકવાર આપ સૌનો અંતઃકરણથી આભાર માનું છું અને આપ સૌનો પ્રેમ આ બ્લોગ પર આમ જ વરસતો રહે એવી આશા રાખું છું.
અહીં આપના દ્વારા સૌથી વધુ વખત વંચાયેલી પાંચ ગુજરાતી ગઝલ/શેર ફરીવાર પોસ્ટ કરતાં આનંદ અનુભવું છું.

______________________________________

વૃક્ષ અને કવિતા(Posted on 12th March 2017)
આ એક વૃક્ષ ઊભું છે:
હવા ગાય છે શબ્દહીન ગીતો
તેની ડાળીઓમાં.

હું જાણું છું
કે ઝાડની નિયતિ કાગળ બનવામાં છે:
એક કાગળ શબ્દનો પિપાસુ
હું જાણું છું
એક શબ્દ કાગળ પર અંકિત થવા તલસે છે
એક શબ્દ કાવ્ય-ગીત બનવા માટે બેચેન
હું જાણું છું
એક એક અલિખિત કવિતા પોતાના પ્રથમ
શબ્દ માટે તરસી છે
એક કવિતા પોતાના કવિની શોધમાં
પરંતુ હું એ પણ જાણું છું
કે કવિ ઉદાસ બને છે
જ્યારે કાગળ બનાવવા માટે
વૃક્ષને તોડી પાડવામાં આવે છે.
મારિઆ વિન ( સ્વિડન )
અનુવાદ કૃષ્ણવદન જેટલી

_____________________________________________

ચૂંટેલા શેર – જલન માતરી(Posted on 6th July 2018)

શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું?
સોમાંથી – એંશી આજે ગઝલકાર હોય છે.

નીતિને એ ગરીબોની મારી સલામ છે,
એક જ છે ભાવ એમનો, મોંઘા થતા નથી.

સંપૂર્ણ રીતે હોય જે આ જગ મહીં સુખી,
એવો તો એક પણ નથી જન મારી જાણમાં.

હ્રદયમાં જ ઘૂમરાઈ પીડે મને
જે આંસુઓ આંખોથી ખરતાં નથી.

એક જ ધરમને ધરતી પર સ્થાપિત કરી શકે,
એવો ખુદા તો ક્યાંથી ‘જલન’ શોધી લાવીએ?

અસલિયત હવે રહી છે કોના મહીં,
કહ્યું કોણે ગાજ્યા વરસતા નથી.

દિલને ભીનું રાખવા કાજ,
વહેવા ન દે, અશ્રુ ખાળ.

સૂતેલો ઉપાડી લઈ આવ્યા, સૌ દોસ્તો ભીની આંખોએ.
આવી ન શક્યો ખુદ્દાર ‘જલન’, જો નીજના મઝારે ચાલીને.

રાહ જોઈને નદી સુકાઈ ગઈ,
એને મન મળવાને સાગર આવશે.

ચલણ એનું નથી બિલકુલ ગગન પર એટલા માટે,
અહીંનું અહીંયાં છોડી દઈને ધન અહીંથી જતા રહીશું,

પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને?
શું જોઈએ છે તારે હાજર થઈને કે’ને?

અહીંયાં ડગલે પગલે ઠોકરો વાગે છે કબ્રોની,
‘જલન’ ક્યાં જઈને આ અરમાનની લાશોને દફનાવું?

હશે તો ઊઠી દોડવા માંડશે,
તું પ્રારબ્ધને લાત મારી તો જો.

એટલે ઝગમગે છે આ જીવન ‘જલન’
જે મળી ધોઈને હું વ્યથા પી ગયો.

દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?

ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવાં,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.

અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું,
કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા.

તને પણ રહેતે કયામતની ભીતિ,
અને રાત-દિવસ ફિકર બંદગીની,
એ સારું જ છે કે ખુદા તારા માથે
નથી મારા ઈશ્વર સમો કોઈ ઈશ્વર.
– જલન માતરી (1934-2018)
‘તપિશ’ માંથી
________________________________________

સમગ્ર મરીઝ (Posted on 29th July 2015)
ચૂંટેલા શેર – મરીઝ

જ્યારે કલા કલા નહીં જીવન બની જશે
મારું કવન જગતનું નિવેદન બની જશે.
– – – – – – — ———-
હ્રદયનું રક્ત નયનનાં ઝરણ જીવનનો નિચોડ
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત
– – – – –
હું તો તરણું છું હું તો તરવાનો
નુહ પાસે ભલે જહાઝ હશે.
– – – – – – –
આંખો મીંચીને ચાલશું અંધકારમાં મરીઝ
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
– – – – – – – –
સનમ હવે આ જમાનામાં કોઇ ભય કેવો
હવે તો લોકોનાં ટોળાં જ છે સમાજ નથી
– – – – – – —
સમય ચાલ્યો ગયો જ્યારે અમે મ્રુગજળને પીતા’તા
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે

– – – – – — – – – —
અહીં તો એકધારી જિંદગી વીતી છે વર્ષોથી
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે

— – – – – – —–
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઇ વાર હોય છે
– – – – – – – –
જો પહોંચવું હો તો મંઝિલનો પ્રેમ પણ રાખો
ફક્ત ગતિના સહારે સફર નથી બનતી

– – – – — – – —
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઇ બંધ દ્વાર દે

– – – – – – – –
તકની રાહ જોવી નથી મારું ગજું
જે પ્રસંગો છે એ મોકા થૈ ગયા

– — – – —
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી

– — – – – – – ——
મરીઝ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું
સમયની હો જે પાબંદ તે પ્રતિભા થઇ નથી

– —-સંપાદન:રાજેશ વ્યાસ “મિસ્કીન”

__________________________________________________

ગઝલ- અમૃત ‘ઘાયલ’ (Posted on 10th June 2016)

શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું.

ખુબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઇ ન મારી ગતિ,
આમ બસ મારમાર જીવ્યો છું.

આભ ની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સુર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું.

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

– અમૃત ‘ઘાયલ’ (1916 – 2002)
અમર ગઝલો – સંપાદન – ડૉ એસ એસ રાહી , રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

____________________________________________

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (1)(Posted on 18th April 2015)

ગાલિબ એટલે વિજયી- જેનું વર્ચસ્વ પ્રવર્તતું હોય એવી વ્યક્તિ.ગાલિબનું નામ મિર્ઝા અસદુલ્લાહબેગ ખાં લાડમાં એમને મિર્ઝા નૌશાને નામે પણ સૌ ઓળખતાં.એ બહુ નાના હતા ત્યારે રચેલી થોડી કાવ્યપંક્તિઓ સાંભળી ઉર્દુના આદિ કવિ મીર તકી મીરે કહેલું કોઇ સમર્થ ગુરુ મળશે તો આ છોકરો લાજવાબ શાયર બનશે નહિ તો નિરર્થક બકવા લાગશે.આ અરસામાં ઇરાનથી ફરતાં ફરતાં મુલ્લા અબ્દુસ્સમદ ઇરાની આગ્રા આવ્યા.એમના સહવાસે ગાલિબની કવિતાની રુચિ ઘડાઇ.પણ સાચો કાવ્યગુરુ તો મીરે કહ્યું એવો સમર્થ નીકળ્યો –એ હતો જિંદગીનો અનુભવ.ગાલિબે પોતાનું પ્રતિબિંબ જે આયનામાં નિહાળ્યું એનો રોગાન નિષ્ફળતા, વ્યથા અને હતાશાના મિશ્રણમાંથી કરાયેલો હતો.

—– * —— * ——
લિખતા હું અસદ સાઝિશે દિલસે સખૂને ગર્મ;
તા રખ ન સકે કોઇ મેરે હર્ફ પર અંગુશ્ત.
હું મારા તપ્ત હ્ર્દયની ઉષ્મા થી ગરમ શબ્દો આલેખી રહ્યો છું– એવા ગરમ શબ્દો જેના પર આંગળી મૂકનાર દાઝી જાય.

યારબ ન વો સમઝે હૈ ન સમઝેંગે મેરી બાત;
દે ઔર દિલ ઉનકો જો ન દેં મુજકો જબાં ઔર.

‘જિન્દગી અપની જબ ઇસ શક્લસે ગુઝરી ‘ગાલિબ’;
હમ ભી ક્યા યાદ કરેંગે કિ ખુદા રખતે થે!’

મૌજે-સરાબે-દસ્તે વફાકા ન પૂછ હાલ;
હર જર્ર મિસ્લે-જોહરે-તેગ આબદાર થા.
વફાદારીના રણના મ્રુગજળના તરંગોની હકીકત મને ન પૂછો પ્રત્યેક રજકણ તલવારના જોહરની માફક પાણીદાર હતું

‘ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહિ અભી રાહબરકો મૈં.’
તીવ્ર ગતિએ ચાલનારા દરેકની જોડે હું થોડી વાર ચાલું છું.હજી મને મારા માર્ગદર્શકની ઓળખ નથી થઈ.

બેદરો દીવારકા એક ઘર બનાના ચાહિયે,
કોઇ હમસાયા ન હો ઔર પાસ્બાં કોઇ ન હો.
જેને દીવાલ કે દરવાજા ન હોય એવું ઘર બનાવવું જોઇએ પછી કોઇ પાડોશી કે કોઇ ચોપદાર હોવાનો પ્રશ્ન જ ન ઊભો થાય.

આગહી દામે-શુનીદન જિસ કદર ચાહે બિછાય,
મુદઆ અંકા હૈ અપને આલમે તકરીરકા.
જ્ઞાન અને શ્રુતિની જાળ તમે ગમે તેટ્લી બિછાવો પણ મારી વાતોની દુનિયાનો મર્મ છે એ તો અન્કા પંખી જેવો છે.અન્કા એ કાલ્પનિક પંખી છે.એ જાળમાં પકડાઇ ન શકે. તમે કલ્પનામાં એ પંખીની પ્રતીતિ કરી શકો.

_________________________________________________________________

મિર્ઝા ગાલિબ — હરીન્દ્ર દવે (2)(Posted on 20th April 2015)

‘ હૈ કહાં તમન્નાકા દૂસરા કદમ સાકી ?
હમને દશ્તે-ઇમ્કાંકો એક નક્શે-પા પાયા.’
મારી કામનાનું બીજું ચરણ ક્યાં છે, ઓ સાકી ? આ સંસાર-જગત તો મારા એક જ પગલાંમાં આવી ગયું છે !

દિલ ગુઝરગાહ-એ-ખયાલ-એ-મૈ-ઓ-સાગર હી સહી,
ગર નફસ જદા-એ-સરમંઝિલ-એ-તકવા ન હુઆ.
હ્રદય સુરા અને સુરાપાત્રના વિચારને પસાર થવાની રહગુઝર-પગદંડી ભલે હોય પણ એનો શો અર્થ ? જો શ્વાસ પવિત્રતાની સરમંઝિલ-પરમ લક્ષ્ય પર લઈ જતો પથ ન બન્યો તો એ નિરર્થક છે.

ન બંધે તશનિગિ-એ-જૌક્કે મજમૂં ગાલિબ,
ગરચે દિલ ખોલકે દરિયાકો ભી સાહિલ બાંધા.
બહુ મીઠો, બહુ ઝીણો, મક્તા છે આ ગાલિબ જ લખી શકે એવો જાનદાર, નાજુક. આનંદની તરસને વિષયમાં બાંધવાનું શક્ય ન બન્યું. હા, દરિયાને કિનારો બાંધી શકયો પણ તરસનો કિનારો ન બાંધી શકાયો.આનંદની, અભિલાષાની, કે રસની તરસને વિષયમાં વહેંચી શકાય ?

શાહિદે હસ્તિ-એ-મુતલક કી કમર હૈ આલમ, લોગ કહેતે હૈ, કિ હૈ: પર હમે મંજૂર નહીં.
આ દુનિયા પરમ પુરુષની કમર છે.લોકો કહે છે એ છે, પણ મને એ મંજૂર નથી.

નક્શ ફરિયાદી હૈ કિસકી શોખિ-એ-તહરીરકા,
કાગઝી હૈ પૈરહન, હર પૈકર-એ-તસ્વીરકા.

ચિત્ર કોની લખાવટ, કોની રેખાઓની સુંદરતા કે બંકિમતા સામે ફરિયાદ કરે છે? પ્રત્યેક આકાર પર કાગળનું જ પહેરણ હોય છે.

તેરી ફુર્સત કે મુકાબિલ ઐ ઉમ્ર;
બર્કકો પા-બહિના બાંધતે હૈ…..

હે આયુષ્ય તારી ક્ષણભંગુરતા ની સરખામણીમાં તો વીજળીને પણ પગે મેંદી મૂકી હોય એવું લાગે છે !

2 thoughts on “સાલમુબારક. બ્લોગની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે…

Comments are closed.