સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે!
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટી આ આપને નમે!
– કરસનદાસ માણેક
……..
ગાંધીડો મારો : દુલા કાગ
સો સો વાતુનો જાણનારો
મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો.-ટેક
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ન ઊભનારો;
એ……..ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
(ઈ તો) ઢાળમાં નવ ધ્રોડનારો. – મોભીડો
ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાં ઘેલાંને માનનારો;
એ………ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,
ધોળાને નહિ ધીરનારો. – મોભીડો
એના કાંતેલામાં ફોદો ન ઊમટે, તાર સદા એકતારો;
એ……….દેયે’ દૂબળિયો (પણ) ગેબી ગામડિયો,
મુત્સદ્દીને મૂંઝવનારો. – મોભીડો
પગલાં માંડશે એવે મારગડે, (એની) આડો ન કોઇ આવનારો
એ………..ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઈ તો,
બોલીને નૈ બગાડનારો. – મોભીડો
નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરૂમાં આથડનારો;
ઇ……….કૂણો માખણ જેવો સાદો ને સાયલો,
કાળને નોતરનારો. – મોભીડો
ઝીણી ઝૂંપડીએ, ઝીણી આંખડીએ, ઝીણી નજરથી જોનારો;
એ………પોતે ચણેલામાં પોલ ભાળે તો તો,
પાયામાંથી જ પાડનારો. – મોભીડો
આવવું હોય તો કાચે તાંતણે, બંધાઈને આવનારો;
એ………ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,
નાડાં તોડાવી નાસનારો. – મોભીડો
આભે ખૂતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારો;
એ………અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં,
વણ તેડાવ્યો જોનારો. – મોભીડો
સૌને માથડે દુઃખ(ડાં) પડે છે, દુઃખડાંને ડરાવનારો;
એ………દુઃખને માથે પડ્યો દુઃખ દબાવીને એ તો,
સોડ તાણીને સૂનારો. – મોભીડો
કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;
સૂરજ આંટા ફરે એવડો ડુંગરો,
(ઇ) ડુંગરાને ડોલાવનારો. – મોભીડો
ઓળખજે બેનડી એ જ એંધાણીએ,
એ મારા ખોળાનો ખૂંદનારો
મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા,
ઘડપણનો પાળનારો. – મોભીડો
– દુલા કાગ (ગાંધી કવિતા, 1969)