પછી સમજાય એને તેજના અંધત્વની સીમા,
સિતારા જોવા સૂરજને કદી અરમાન થઈ જાયે.
*
કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.
*
શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,
ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે.
*
શાયદ સમયનું માપ ભુલાઈ ગયું હવે
ગણવા સિતારા કેટલી ફુરસત હતી, ગઈ.
*
પાસે રહું તો ભય કે વિખૂટા પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.
*
સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.
*
રાતના સૂરજ ઊગે તો કંઈકે શોષાઈ શકે,
આંખ ઝાકળથી થઈ છે તરબતર, જાગ્યા કરું.
*
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.
*
નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

– હરીન્દ્ર દવે (‘હયાતી’ સંપાદન:સુરેશ દલાલ)