શ્યામા ચા-નાસ્તો પરવારી રીવાના ઘરનો નંબર ડાયલ કરતી હીંચકે આવીને બેઠી. એને થયું રીવાના મમ્મી-પપ્પાને હકીકતથી વાકેફ કરવા બહુ જ જરૂરી હતા. બહુવાર રીંગ વાગ્યા પછી પણ કોઈએ ઉપાડ્યો નહીં એટલે શ્યામાનું મન શંકા-કુશંકાઓથી ભરાઈ ગયું. ધ્રુજતા હાથે ફરી એ નંબર જોડ્યો. ઘણીવાર પછી સામેથી કોઈએ ફોન ઉપાડ્યો.

હવે આગળ…
સામે છેડેથી કોઈ સ્ત્રીનો કડકાઈ ભરેલો અવાજ આવ્યો, “કોણ બોલો છો? કોનું કામ છે?” એકસામટા પ્રશ્નો શ્યામાની સામે તીરની જેમ ફેંકાયા.એને માટે આ નવું ન હતું.શ્યામા જ્યારે પણ એને કૉલ કરનાર બાળકોના મમ્મી-પપ્પાને ફોન કરતી એને જાતજાતનાં વાક્યો સાંભળવા મળતા. “અરે એનું ભણવામાં મન ચોંટતું નથી એટલે બહાના કાઢે છે.” કોઈ કહેતું, “એના દોસ્તો જ એને બગાડે છે.” “તમને પોતાનાં છોકરાં છે?” “તમને ખબર નથી આજ-કાલનાં છોકરાં કેટલા ઉસ્તાદ છે!” “મા-બાપને પોતાનું એટીએમ અને પેટીએમ જ ગણે છે.” “આખો દિવસ મોબાઈલ પર સમય બગાડે છે અને જેવી ભણવાની વાત આવે એટલે આવાં નાટક કરે છે.” “અમે એમની ઉંમરમાં કેટલી મહેનત કરતા હતા.” “આવા મોંઘા કોચિંગ ક્લાસમાં પણ નહોતા જતા.” તો કોઈ ગુસ્સે થઈ જતું; “ભણી-ગણીને કાંઈ બનવાનું કહીએ છીએ તે એમના ભલા માટે જ તો કહીએ છીએ, અમે શું એમના દુશ્મન છીએ?” “આ દુનિયાનો તમને શું અનુભવ છે?” “ઉચ્ચ અભ્યાસ વિના, ઊંચા પગારની નોકરી વિના આ દુનિયામાં જીવવું શું સહેલું છે?”વગેરે, વગેરે ખરેખર આનો કોઈ અંત જ ન હતો. શ્યામા ભલે ઉંમરમાં નાની હતી પણ એના ઊંડા અભ્યાસ અને વિશાળ વાંચનને લીધે એનામાં પ્રોફેશનલ સજ્જતાની સાથે પરિસ્થતી પ્રમાણે વર્તવાની પરિપકવતા હતી. એટલે રીવાની મમ્મીને ખૂબ જ શાંત અને સ્વસ્થ અવાજમાં કહેવાનું શરૂ કર્યું, “હું સરકારની સહાયથી ચાલતા માનસિક આરોગ્ય કેન્દ્રની આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન પરથી બોલું છું.મારું નામ,..” એને વચ્ચેથી અટકાવી રીવાની મમ્મી કહે, “અમે અમને જ્યાં યોગ્ય લાગે ત્યાં ડોનેશન આપીએ જ છીએ, હમણાં મને સમય નથી.” શ્યામાએ બિલકુલ સ્વસ્થતા ગુમાવ્યા વગર કહ્યું, “હું ક્લીનીકલ સાયકોલોજીસ્ટ છું અને તમારી દીકરી રીવાએ આજે બપોર પછી અમારી હેલ્પલાઈન પર ફોન કર્યો હતો એ અંગે મારે તમારી સાથે બહુ જ મહત્ત્વની વાત કરવાની છે. શું હું જાણી શકું કે રીવા અત્યારે ક્યાં છે અને શું કરી રહી છે?” સામે છેડે થોડીવાર માટે સોપો પડી ગયો. રીવાની મમ્મીનો થોડો નરમ થયેલો અવાજ આવ્યો, “રીવા હમણાં જ એની બહેનપણી સાથે નજીકમાં જ નોટ્સની ઝેરોક્ષ કોપી કરાવવા ગઈ છે. આખી બપોર બંન્ને સાથે જ ભણતા હોય છે. રીવાએ તમને કેવી રીતે કૉલ કર્યો? ક્યારે કર્યો? મને તો આ વાતની કોઈ જાણ જ નથી! મને કહ્યા વિના, પૂછ્યા વિના એ આવું કેવી રીતે કરી શકે?” આ સાંભળી શ્યામાને થોડું દુઃખ થયું કે અહીં એ ચિંતા ન હતી કે દીકરીએ હેલ્પલાઈનની મદદ લેવી પડી બલ્કે નારાજગી હતી મને પૂછ્યા વિના દીકરીએ આવું પગલું કેમ લીધું! શ્યામાએ આગળ કહ્યું, “હું તમને અને રીવાના પપ્પાને મળવા માંગું છું પરંતુ એની હાજરીમાં નહીં. તમે બંન્ને કાલે સવારે અમારા કાઉન્સિલીંગ સેન્ટરમાં આવો. અમારા સેન્ટરમાં જાણીતા મનોચિકીત્સક ડૉ. રાવ માનદ્ સેવા આપે છે એમની સાથે પણ તમારી રીવાની હતાશા અંગેની વાત કરાવી દઉં. હું પોતે આવતીકાલે સાંજે રીવાને તમારા ઘરે લેવા આવીશ તો એને મારી સાથે આવવા દેજો. અમે દરીયા કિનારે ફરીશું. તેની સાથે થોડી અનૌપચારિક રીતે વાત થાય તો એને કાઉન્સિલીંગ માટે પણ રાજી કરી લઈશ.તમે એને હમણાં કહેશો નહીં કે આપણી વાત થઈ છે.” રીવાના મમ્મીને પરિસ્થિતીની સચ્ચાઈ અકળાવનારી અને સ્વીકારતા વાર લાગે તેવી હતી. આખરે શ્યામાની ધીરજભરી સમજાવટની અસર થઈ. એ અને રીવાના પપ્પા બીજે દિવસે સવારે દસ વાગ્યે કાઉન્સિલીંગ સેન્ટરમાં હાજર થઈ જશે, એવું શ્યામાને વચન આપ્યું. શ્યામાએ એમને તાકીદ કરતા કહ્યું, રીવાને જરા પણ એકલી પડવા દેશો નહીં, એને શંકા ન પડે એ રીતે એનું સતત ધ્યાન રાખજો, બની શકે તો રાત્રે એના રૂમમાં જ સૂઈ જજો. હતાશામાં સરી પડેલા માણસને જોઈને ક્યારેય ખબર ના પડે કે કઈ ક્ષણે એ અંતિમ પગલું ભરી લેશે. પોતે રીવાની મમ્મીને વાતની ગંભીરતા સમજાવવામાં સફળ થઈ એનો શ્યામાને સંતોષ થયો.
બીજે દિવસે સવારે દસના ટકોરે રીવાના મમ્મી-પપ્પા હાજર હતા. બંનેના મોં પર ચિંતાની રેખાઓ ખેંચાયેલી હતી.શ્યામા સૌથી પહેલાં જ રીવા વિશે પૂછ્યું, “એ અત્યારે ક્યાં છે? કોની સાથે છે? એનો મૂડ કેવો છે?” એના પપ્પાએ કહ્યું, “રીવાના કલાસમાં આજે રિવીઝન લેક્ચર હતું એટલે ત્યાં મૂકીને આવ્યા છીએ. અહીંનું કામ પતે કે હું હોસ્પીટલ જવા નીકળીશ અને એની મમ્મી એને પીક અપ કરીને ઘરે જશે. ગઈકાલના તમારા ફોન પછી એની મમ્મી સતત પડછાયાની જેમ એની સાથે જ છે.” શ્યામાએ ખુશ થતાં કહ્યું,” તમારા બંનેના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.” રીવાના પપ્પા બોલવા માંડ્યા, “તમે અમારા વિશે કાંઈ ગેરસમજ કરો એ પહેલાં મારે કેટલીક વાતો કલીયર કરવી છે. રીવા એની સ્કૂલમાં હમેશાં ટૉપ ફાઈવમાં જ રહી છે, દસમા બોર્ડમાં સ્કૂલ ટૉપ કરી એટલે અમે સાયન્સ લેવાનું કહ્યું, આખરે એના ઉજ્જવળ ભવિષ્યનો સવાલ છે.” એમને વચ્ચેથી જ અટકાવતાં શ્યામા કહે, “ભવિષ્ય પછી અત્યારે એનો વર્તમાન અંધકારમય બની ગયો છે તેનું શું? એને આગળની પરીક્ષાઓ આપવાનું મન જ નથી, એને જીવન જીવવા જેવું લાગતું નથી તેનું શું? તમને એની આ હતાશા, આ મનનો થાક સમજાય છે!” રીવાના મમ્મી-પપ્પા એકબીજાની સામે જોવા લાગ્યા. રીવાના પપ્પા બોલ્યા, “હું એની મમ્મીને પહેલેથી જ કહું છું કે મેડિકલ અથવા એન્જિનીયરીંગ બેમાંથી એક જ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનું કહીએ પણ,…” રીવાની મમ્મી એમને વચ્ચેથી કાપતા કહે, “તમને કેટલી કોમ્પિટીશન છે એનો ખ્યાલ જ નથી, એકમાં ના મળે તો બીજામાં..” શ્યામા બંનેને અટકાવીને કહે, “આ સમય એકબીજા પર દોષારોપણ કરવાનો નથી. તમે બંને એની સાથે વધારે સમય પસાર કરશો તો સમજાશે કે એ વધારે પડતા ભણતરના બોજાથી થાકી ગઈ છે. એનું સહજ જીવાતું જીવન તમે જાતજાતની મનાઈથી રૂંધી નાંખ્યું છે. સમયપત્રક અનુસાર તમે ભણવા પર ભાર આપો પણ એને દુનિયાથી કટ-ઑફ કરીને એકવિધતામાં કેદ ના કરી શકો. ભલે એ આખો દિવસ અભ્યાસમાં વ્યસ્ત રહે પણ એક-બે કલાક એની મનગમતી પ્રવૃત્તિ કરવા દો, એના મિત્ર થઈને રહો, તમે બંને પોત-પોતાનાં પ્રોફેશનની સારી-નરસી બાબતોની એની સાથે મોકળા મને ચર્ચા કરો પછી એની દિશા એને ખુદ નક્કી કરવા દો.” શ્યામા જ્યારે બોલી રહી હતી ત્યારે રીવાના મમ્મી-પપ્પાના મોંના બદલાતા ભાવ નિરખી રહી હતી. આખરે પોતાની અકણામણ છૂપાવી ન શકતા રીવાની મમ્મી બોલી ઊઠી, “જુઓ બહેન, તમારે ત્યાં એવાં બાળકોના ફોન આવતા હશે જેમનું ભણવામાં મન નહીં લાગતું હોય કે પછી મગજ નહીં ચાલતું હોય મારી દીકરી એક નબળી ક્ષણે તમને ફોન કરી બેઠી એનો મતલબ એવો નથી કે અમારી મા-બાપ તરીકે કાંઈ ભૂલ થાય છે,અમે એનું ભલું થાય એમ જ ઈચ્છીએ તમારે અમને શીખવાડવાની જરૂર નથી.મારી દીકરી બહુ જ હોંશિયાર છે આ તો કોઈ બહેનપણીની વાતોથી એના મન પર ટેન્શન આવી ગયું હશે, એટલે જ હું એને બધાં સાથે પરીક્ષાઓ વખતે બહુ હળવા મળવાની ના પાડું છું.” વાતને સાવ ઊંધી દિશામાં ફંટાતી જોઈને શ્યામાથી બોલ્યા વિના ના રહેવાયું, “જુઓ બહેન, આમાં હું સાચી અને તમે ખોટાં એવું સાબીત કરવાની કાંઈ સ્પર્ધા નથી, અત્યારે આપણું સૌથી મહત્ત્વનું ધ્યેય રીવાને હતાશામાંથી બહાર લાવવાનું છે, તમે હવે અમારા સેન્ટરના સાયકિઆટ્રીસ્ટ સાથે મુલાકાત કરી લો એ તમને વિવિધ સારવાર પધ્ધતી વિશે સમજાવશે. હું આજે એની સાથે સાંજે નિરાંતે વાતો કરીશ અને એને ડૉ રાવને મળવા તૈયાર કરીશ. તમે ઘરનું વાતાવરણ હળવું અને આનંદભર્યું રાખો બાકી હું મારી રીતે એનું કાઉન્સિલીંગ ચાલુ રાખીશ.આવી મહત્ત્વની બોર્ડની પરીક્ષા વખતે બાળકો સ્ટ્રેસ અનુભવે એ સ્વાભાવિક છે ખાસ કરીને જ્યારે કોચિંગ ક્લાસીસ ફેક્ટરીની જેમ ચાલતા હોય. એ લોકો પાંચ-સાત ટૉપર વિદ્યાર્થીઓના ફોટા બતાવીને તમારા જેવા મહાત્ત્વાકાંક્ષી મા-બાપને પોતાની જાળમાં ફસાવે છે. લાખો રૂપિયાની ફીઝ લઈને પણ એ લોકોને તમારા સંતાનની ક્ષમતા કેટલી છે અને એનામાં કેટલી શક્યતાઓ ભરેલી છે એ જાણવાની પડી નથી, ન એ લોકો પાસે સમય છે એની સમસ્યાઓ સાંભળવાનો કે એનો ઉકેલ લાવવાનો. આવા સમયે મા-બાપનું વર્તન પણ કડકાઈભર્યું હોય તો મૂંઝાયેલા બાળકો ક્યાં જાય? અને એને જો જિંદગી જીવવા જેવી ના લાગે તો વાંક કોનો??”
હવે રીવાના પપ્પા બોલ્યા, “અમે અમારી એક માત્ર દીકરીને અમારી મહત્ત્તવાકાંક્ષાની બલી બનાવવા માંગતા નથી.હમણાં જ ડૉ રાવ સાથે મળીને એનો જરૂરી ઈલાજ શરૂ કરી દઈએ.” શ્યામા કહે, “તમારી દીકરીએ હેલ્પલાઈનને ફોન કરીને ઘણું જ સારું કામ કર્યું છે, સમસ્યાઓ બધાંની જિંદગીમાં આવે પણ એનો વાત કરીને અને જરૂર પડે પ્રોફેશનલ મદદ લઈને ઉકેલ લાવી શકાય.મનમાં મૂંઝાઈને ખોટો નિર્ણય લઈને આવી સુંદર જિંદગીને કેવી રીતે વેડફી
દેવાય?!” રીવાના મમ્મી-પપ્પાને ડૉ રાવની કેબીનમાં મોકલ્યા પછી શ્યામા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે પરવારી ત્યારે એનું સમય તરફ ધ્યાન ગયું. હવે સીધું રીવાના ઘરે જ પહોંચવું પડશે નહીં તો એ મોડી પડશે. મોબઈલમાં સેવ કરેલા સરનામા પ્રમાણે એ રીવાના ઘરે રીક્ષામાં પહોંચી ગઈ. ઉપરા-ઉપરી બેલ માર્યા છતાં કોઈ દરવાજો ખોલવા આવ્યું નહીં એટલે શ્યામા ચિંતા સાથે મૂંઝવણમાં મૂકાઈ ગઈ. રીવાના ઘરનો ફોન અને રીવાના મમ્મી-પપ્પાના મોબાઈલ પણ કોઈ ઉઠાવતું ન હતું. એટલામાં સામેના ઘરમાંથી એક બહેન બહાર આવ્યા, એમના મોં પર પ્રશ્નાર્થ જોઈ શ્યામાએ પૂછી જ લીધું, “રીવાનું ઘર આ જ ને? એ લોકો ક્યાંક બહાર ગયા લાગે ક્યારની બેલ મારી રહી છું.” એ બહેન તરત બોલ્યાં, “એ લોકો તો સોમાણી હૉસ્પીટલ ગયાં છે ખૂબ ઉતાવળમાં હતાં કદાચ રીવાની તબિયત…” એમને ત્વરાથી થેંક્સ કહી એ રસ્તા પર આવીને પહેલી જે રીક્ષા મળી એમાં બેસીને બોલી, “સોમાણી હૉસ્પીટલ લઈ લો જલ્દી.” રીક્ષાવાળાએ શ્યામાનું ચિંતાતુર મોં જોઈ રીક્ષા પૂરઝડપે દોડાવી દીધી. હૉસ્પીટલના રીસેપ્શન પરથી જાણ્યું કે રીવા આઈ સી યુમાં છે એટલે એ લગભગ દોડતી જ બે માળ ચઢીને આઈ સી યુના દરવાજા પાસે પહોંચી ગઈ. ત્યાં જ એને રીવાના પપ્પા આઈ સી યુમાંથી બહાર નીકળતા દેખાયા, એમની પાછળ ૧૭-૧૮ વર્ષની છોકરી પણ હતી. જીન્સ-ટીશર્ટમાં સજ્જ, એક પોનીટેલ અને ચશ્માવાળું માસૂમ મોં ગંભીર લાગતું હતું. શ્યામાએ રીવાના પપ્પાને પૂછ્યું, “શું થયું?” એ શ્યામાને હજુ કાંઈ કહે તે પહેલાં જ પેલી છોકરી શ્યામાને જોઈને કહે, “તમે જ શ્યામાદીદી છો ને?” શ્યામા એને જોઈ રાહતનો શ્વાસ લેતાં બોલી, “તું જ રીવા છે ને?” પેલી છોકરી મીઠું હસતાં કહે, “ના, હું તો સનાયા છું, રીવાની બહેનપણી. રીવાના ઘરના ફોનથી રીવા બનીને મેં જ ફોન કર્યો હતો. મને માફ કરો, આમ ખોટું બોલવા માટે. પણ મને કાંઈ રસ્તો સૂઝતો ન હતો. રીવા ઘણા વખતથી હતાશાભરી વાતો કરતી હતી. મેથ્સનું પેપર ખરાબ ગયા પછી તો મરવાના વિચારો કર્યા કરતી હું એની સામે એને સાંત્વન આપીને સમજાવતી હતી પણ અંદરથી હું પોતે બહુ ડરી ગઈ હતી. એના મમ્મી-પપ્પાને પણ એ ડરને કારણે કહેવાની ના પાડતી હતી. એટલે તે દિવસે એના ઘરમાં અમે બંને એકલા વાંચતા હતા ત્યારે જેવી એને મેં કીચનમાં ચા બનાવવા મોકલી કે તરત તમને ફોન કરી દીધો. આજે તો બપોરે એ ક્લાસથી આવી ત્યારે હું એને તમે મળવા આવવાના છો એ કેવી રીતે કહીશ એ વિચારમાં મળવા પહોંચી. ત્યારે આંટી બોલ્યાં કે એ ક્લાસમાંથી આવી ત્યારની સૂઈ ગઈ છે ક્યારની જમવા બોલાવું છું તોય ઉઠતી નથી.” હવે રીવાના પપ્પા બોલવા માંડ્યા, “બન્યું એવું કે હું તો ડૉ રાવને મળી હૉસ્પીટલ જવા નીકળી ગયો રીવાની મમ્મી કાર લઈને રીવાને ક્લાસ પરથી પીક અપ કરવા ગઈ જે સામાન્યપણે જતી નથી, રીવાએ પૂછ્યું કે મમ્મી તારે આજે કૉલેજ નથી જવાનું ગઈકાલની તું મને જરા પણ એકલી મૂકતી નથી શું વાત છે ત્યારે એની મમ્મીથી ભૂલમાં બોલાઈ ગયું કે તારી આગલી પરીક્ષામાં મેં રજા લીધી હોત તો તારું મેથ્સનું પેપર સચવાઈ ગયું હોત. એનાથી રીવાના મનમાં શું ડર પેસી ગયો કે ક્લાસથી આવીને ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ ત્યારે નક્કી કાંઈ પી લીધું હશે, ઊલટીએ થઈ હતી પણ ત્યારે એની મમ્મીને એવું કહીને સૂવા ગઈ કે તાપને લીધે ઊલ્ટી થઈ ગઈ, મને સારું નથી લાગતું થોડીવાર સૂતી છું અને એની મમ્મીએ માની લીધું, એતો સારું થયું સનાયા એને રૂમમાં જઈને ઢંઢોળીને ઉઠાડવા ગઈ ત્યારે એને બેહોશ જોઈ અને એના મોંમાંથી ફીણ નીકળતાં જોઈને તરત મને ફોન કર્યો, રીવાની મમ્મી અને સનાયા ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં અહીં પહોંચ્યા અને સમયસર સારવાર મળી જવાને લીધે હવે રીવાની સ્થિતી જોખમની બહાર છે. એ હમણાં જ ભાનમાં આવી છે એની મમ્મી એની પાસે જ બેઠી છે.” શ્યામાએ સનાયાને હેતથી ગળે લગાડી શાબાશી આપી, એની સમયસૂચકતા અને રીવાને મદદ કરવાની ભાવનાને લીધે આજે રીવાનો જીવ બચી ગયો. રીવાના પપ્પા કહે , “સનાયાએ તમને કોલ ના કર્યો હોત તો અમારી આંખો ના ઉઘડી હોત અને અમે જિંદગીની ખરી પરીક્ષામાં નાપાસ થયા હોત. બાળકના મનને સમજવું, જરુર પડ્યે મિત્ર બનીને અને જરુર પડ્યે માર્ગદર્શક બનીને એ મા-બાપની ખરી પરીક્ષા છે.” સનાયા કહે, “અને પોતાની બહેપણીને હતાશામાં ક્યારેય એકલી નહીં છોડી દેવાની એ મિત્રતાની ખરી પરીક્ષા છે.” જ્યારે બંનેનું બોલવાનું પૂરું ત્યારે શ્યામાની આંખમાંથી હળવેથી એક આંસુ સરી પડ્યું, મનમાં વિચાર્યું કે આજે તો મારી ખરી પરીક્ષા થઈ, પણ માત્ર એટલું જ બોલી, “હું રીવાને મળી શકું?” (સમાપ્ત)
– નેહલ