“હેલો”. શ્યામાએ ફોન ઉપાડીને કહ્યું. “હેલો”, સામેથી બહુ જ ધીમો, દબાયેલો અવાજ આવ્યો.શ્યામાએ સામે બોલનારનો સંકોચ, ખચકાટ સમજીને સામે પૂછ્યું; “બોલ બેટા, કેમ છે? ક્યાંથી બોલે છે?” એની વાત કરવાની રીતમાં એક જાતની સહજતા અને આત્મીયતાના કારણે સામે છેડેથી અવાજ આવ્યો, “હેલો, હું રીવા બોલું છું.” શ્યામાએ વાત ચાલુ રાખવાના હેતુથી આગળ બોલતા કહે, “મારું નામ શ્યામા છે. તારા જેવડા મારા દોસ્ત મને શ્યામાદીદી કહે છે, તું પણ કહી શકે છે.મને મારા મિત્રો સાથે વાતો કરવાનું બહુ ગમે, તું પણ વિના સંકોચ તારી વાત મને કહી શકે છે.”
શ્યામાએ સાયકોલૉજીમાં બી એ કર્યા પછી ક્લીનીકલ સાયકોલૉજીમાં એમ એ કર્યું છે અને હાલમાં એના ગમતા વિષય ટીનએજર્સના વર્તન, પ્રશ્નો અને એના ઉકેલ પર પી એચ ડી કરી રહી છે. એના એક મિત્રના સૂચનથી એ આ માનસિક આરોગ્ય માટેની સ્વયંસેવી સંસ્થામાં જોડાઈ છે જે સરકારની સહાયથી આત્મહત્યા નિવારણ માટે મફત હેલ્પલાઈન અને કાન્સીલીંગ સેન્ટર ચલાવે છે.દિવસભર જાતજાતના લોકોના કોલ્સ આવતા હોય છે પણ જ્યારથી દસમા
અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારથી વિદ્યાર્થીઓના ફોન આવવાના વધી ગયા છે.શ્યામાની વાત કરવાની રીત સરખે સરખા મિત્ર જેવી અને અવાજમાં હુંફ મોટી બહેન જેવી હોવાને લીધે યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલા છોકરા-છોકરીઓ પોતાની સમસ્યાઓ વિશે ક્યારે તેની સાથે વાત કરવા માંડે છે એનો એમને પોતાને પણ ખ્યાલ રહેતો નથી. એ તો સ્વાભાવિક છે કે હેલ્પલાઈન પર ફોન કરનાર જીવનથી હતાશ, નિરાશ હોવાનું, એથી શ્યામા ક્યારેય ઔપચારિકતા ખાતર પણ સીધા સવાલો પૂછતી નથી.
એણે જ્યારે રીવાનો માસૂમ, ચિંતાતુર, ધીમો અને ખચકાટથી આવતો અવાજ સાંભળ્યો ત્યારે શ્યામાને તરત સમજાઈ ગયું કે આ કોઈ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી જ લાગે છે. એ અવાજ એને પોતાના ભૂતકાળની દુઃખદ સ્મૃતિ તરફ દોરી ગયો અને એના હ્રદયમાં તીવ્ર શૂળ ભોંકાઈ હોય તેવી વેદના થઈ. પણ ઝડપથી પોતાની જાતને બળપૂર્વક એ રસ્તેથી પાછી વાળી વર્તમાનમાં ખેંચી લાવી. એણે રીવાને પૂછયું, “રીવા કેમ છે તું? તારી ઍક્ઝામ્સ કેવી ચાલે છે? હવે કેટલાં પેપર બાકી રહ્યાં? રીવા હજુ પણ ધીમા અવાજમાં બોલવા માંડી; “શ્યામાદીદી, મારા ફિઝીક્સ, કૅમેસ્ટ્રીના પેપર તો સારાં ગયાં છે પણ મૅથ્સનું પેપર બહુ જ ટફ હતું, એક એક પ્રશ્નમાં બહુ જ વાર લાગતી હતી એટલે સમય ઓછો પડ્યો અને ૩-૪ પ્રશ્ન છૂટી ગયા, હવે એવું લાગે છે કે જેટલા લખ્યા છે એના જવાબો પણ સાચા નહીં હોય તો…?મને ડર લાગે છે કે હું મૅથ્સમાં ફેઇલ થઈશ.” શ્યામા કહેવા માંડી, “મૅથ્સ નું પેપર, અરે હા જો રીવા, એમાં એવું છે ને કે મૅથ્સના પેપરમાં આ વખતે બહુ ભૂલો છે,બે-ત્રણ સવાલ તો અભ્યાસક્રમની બહારના છે અને એક-બે સવાલ પૂછવામાં જ ભૂલ થઈ છે. તને થશે મને કેવી રીતે ખબર પડી અરે તારા જેવા દોસ્તોને લીધે જ તો.”
પણ રીવાએ તો જાણે આ બધું કાંઈ સાંભળ્યું જ ન હોય એમ આગળ બોલી, “જો હું મૅથ્સમાં જ ફેઇલ થઈશ તો બીજા વિષયોમાં પાસ થઈને પણ શું કરીશ?મારે સારી કોલેજમાં ઍડમિશનથી હાથ જ ધોઈ નાંખવા પડશે. મારા
મમ્મી-પપ્પા બહુ જ ટેન્શનમાં રહે છે. મને ડૉક્ટર, એન્જનીયર બનાવવાના સપનાં જુએ છે. એ માટે કોચિંગ ક્લાસની કેટલી મોંઘી ફીઝ ભરી છે અને તેમ છતાં મારું રિઝલ્ટ સારું નહીં આવે તો એમને તો એવું જ લાગશેને કે હું જ બરાબર ભણતી નથી.” આટલું બોલીને રીવાથી એક ડૂસકું લેવાઈ ગયું. શ્યામાને પરિસ્થિતી ગંભીર લાગી રીવાને સ્નેહથી પૂછ્યું,” હવે બીજું પેપર કેટલા દિવસ પછી છે?”  રીવા થોડી સ્વસ્થ થતાં કહે, “અઠવાડિયાની વાર છે. પણ મને હવે કોઈ પરીક્ષા આપવી જ નથી. શું મતલબ છે આવી પરીક્ષાઓ આપ્યા કરવાનો? શું અર્થ છે આવું જીવન જીવ્યા કરવાનો?” શ્યામાએ માત્ર હુંકારો કરી એને આગળ બોલવા દીધી.રીવા કહેવા માંડી, “હું છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ટીવી સિરીયલ જોતી નથી, મોબાઈલ ફોન પણ માત્ર ક્લાસની નોટ્સ માટે વાપરું છું, સોશિયલ મિડીયા અકાઉન્ટસ મમ્મી-પપ્પાએ પહેલેથી જ બંધ કરાવી દીધા છે.મને પણ હતું કે આ મહત્ત્વના ત્રણ વર્ષ બરાબર મહેનત કરી લઈશ. પણ ગમે એટલું ભણ્યા કરું પૂરું જ નથી થતું.મેડિકલમાં જવા માટે જુદી ટેસ્ટ, એન્જિનીયરીંગ માટે જુદી ટેસ્ટ અને આર્કિટેક્ટ બનવા માટે જુદી.મને શું કરવું છે એ જ સમજાતું નથી, અને મારી મરજી પૂછવાવાળુ છે જ કોણ? મારા પપ્પા એક મોટી હૉસ્પિટલમાં ડૉક્ટર છે અને મમ્મી ઍન્જિનીયરીંગ કૉલેજમાં પ્રોફેસર છે. એટલે એઓને ડૉક્ટર-ઍન્જિનીયર સિવાય કોઈ વ્યવસાય દેખાતો જ નથી. એમનાં મિત્રોનાં સંતાનો પણ ક્યાં તો ડૉક્ટર અથવા ઍન્જિનીયર બની ગયા છે યા તો બનવા જઈ રહ્યા છે. આ ત્રણેય વર્ષ એક પછી એક આવતી પરીક્ષાઓને કારણે અમે ક્યાંય બહાર ફરવા નથી ગયા. મારી મમ્મી બહુ જ સ્ટ્રીક્ટ છે કહે છે કે ભણતર તો એક જાતની તપસ્યા છે અને શિસ્તપાલન વિના કશું અચીવ ના થાય.મને સ્વિમીંગ, સાયકલીંગ અને બાસ્કેટબૉલ બહુ ગમે છે પણ એ બધું છૂટી ગયું. ડ્રૉઈંગના ક્લાસીસ પણ જરૂરી પરીક્ષાઓ પાસ કરી લીધી એટલે છોઙાવી દીધા.મને વૉટર કલર્સમાં પેઈન્ટીંગ કરવાની બહુ મઝા આવતી હતી પણ મમ્મીએ કહ્યું કે હમણાં મારું ગોલ સારી કૉલેજમાં ઍડમિશન મેળવવાનું હોવું જોઈએ આ બધા શૉખ તો ભણી રહ્યા પછી પણ પૂરા કરી શકાય.” રીવા એકસામટું ઘણું બધું બોલી ગઈ પણ એનો અવાજ થોડો ખૂલ્યો હતો અને સ્વાભાવિક થઈ રહ્યો હતો, એથી શ્યામાને સારું લાગ્યું.એણે રીવાને કહ્યું; “જો હવે તો આપણી દોસ્તી પાકી. આવતીકાલે આપણે કૉફી કલ્ચરમાં મળીએ. તારા મમ્મી-પપ્પાની પરમિશન લેવાની જવાબદારી મારી અને હું જ તને તારા ઘરે લેવા આવીશ. તું હવે વધારે કાંઈ વિચાર્યા વિના રિલેક્સ થા, આપણે કાલે મળીયે છીએ, ઓકે બાય.” “બાય દીદી.” સામે છેડેથી ફોન મૂકાઈ ગયો.રીવાએ લંબાણથી વાતો કરી તો શ્યામાને આશા બંધાઈ કે એના મનની ધરબાયેલી ઘણી વાતો બહાર આવી છે, હજુ રૂબરૂ, અનઔપચારિક વાતાવરણમાં મળીશું તો બીજી ઘણી વાતો બહાર આવશે. એના ફોન સાથે જોડાયેલ કૉમપ્યુર સ્ક્રીન પર કૉલર આઈડી અને રીવાનું ઍડ્રેસ ઝબકી રહ્યા હતા, હેલ્પલાઈન હોવાના કારણે અચાનક ઊભી થતી કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા ડીજીટલ ડિરેક્ટરી જેવો કૉલ આવે એટલે આપોઆપ ખૂલી જતી હતી. શ્યામા જરુરી વિગતો પોતાના ફોનમાં ટપકાવી ઘરે જવા નીકળી.
જ્યારે ઘરે પહોંચી એની મમ્મી પરસાળમાં હીંચકે બેસીને રાહ જ જોતી હતી. “કેમ આજે બહુ મોડું થયું બેટા?” મમ્મીના ચિંતાભર્યા પ્રશ્નના ઉત્તરમાં ઘરમાં પ્રવેશતી શ્યામાથી બોલાઈ ગયું, “એક બીજી વૃંદાને બચાવવાની કોશિષ કરું છું, આશિષ આપ કે સફળ થાઉં.” બેઠકખંડમાં પ્રવેશતાની સાથે જ વૃંદાનો હાર ચઢાવેલો ફોટો સ્મિત રેલાવતો એની સામે જોઈ રહ્યો હતો.યુવાનીના ઉંબરે પગ મૂકતી વૃંદાનો તરવરાટભર્યો ચહેરો અને ચેતનવંતી વિશાળ આંખો રૂમના ગમગીન વાતાવરણમાં અજવાળું રેલાવતા હતા. બાજુમાં જ એના પપ્પાનો ફોટો પણ હતો. શ્યામાને પપ્પા ફોટામાં પણ થાકેલા અને અકાળે વૃધ્ધ થઈ ગયેલા લાગ્યા. એની પાછળ જ ઘરમાં પ્રવેશેલી મમ્મી એક ક્ષણ એ બંન્ને ફોટાઓને તાકી રહી એની આંખોમાં પીડાની રેખા ખેંચાઈ ગઈ. એ છૂપાવવા ઝડપથી રસોડા તરફ વળી જતાં બોલી, “તું થાકી હશે, ફ્રેશ થઈને આવ, હું ચા-નાસ્તો લઈ આવું, રસોઈની પણ શરુઆત કરી દઉં.” શ્યામા સ્વાભાવિક થવા કહેવા માંડી, “હા મમ્મી, બહુ જ ભૂખ લાગી છે. આજે મારી ફેવરીટ દાળઢોકળી બનાવીશ?” એની મમ્મીના મોં પર હળવું સ્મિત આવી ગયું, દાળઢોકળી શ્યામાની મમ્મીની ફેવરીટ હતી, એને થયું દીકરી બહુ પરિપકવ થઈ ગઈ છે.
શ્યામા ચા-નાસ્તો પરવારી રીવાના ઘરનો નંબર ડાયલ કરતી હીંચકે આવીને બેઠી. એને થયું રીવાના મમ્મી-પપ્પાને હકીકતથી વાકેફ કરવા બહુ જ જરૂરી હતા. બહુવાર રીંગ વાગ્યા પછી પણ કોઈએ ઉપાડ્યો નહીં એટલે શ્યામાનું મન શંકા-કુશંકાઓથી ભરાઈ ગયું. ધ્રુજતા હાથે ફરી એ નંબર જોડ્યો. ઘણીવાર પછી સામેથી કોઈએ ફોન ઉપાડ્યો.
(ક્રમશઃ …)
– નેહલ

 

2 thoughts on “ખરી પરીક્ષા (1) – નેહલ

Comments are closed.