સાવ સરળ શબ્દોમાં જીવનનો ઊંડો મર્મ તો ક્યારેક ઊંચી ફિલોસોફી અને ક્યારેક હ્રદયના તાર ઝણઝણાવી દેતી
ઋજુ સંવેદનાઓને સક્ષમ રીતે રજૂ કરતી આ કવિની રચનાઓનું દિલથી સ્વાગત કરું છું અને એમની શબ્દ સાધના
અવિરત રહે એવી હ્રદયપૂર્વક શુભકામનાઓ!
* . * . *

કૈંક ઝરણાં ત્યાં વહેતાં થાશે,
મનમાંથી ક્ષણભર હટાવો પથ્થર.
*
એટલે શું વાવવાનું બંધ કરવું?
મોલની સાથે ભલે ઊગતાં અરોડાં.
*
કેટલો દાઝ્યો, કોઈએ પૂછ્યું નહીં,
સૌએ માની લીધું કે ઝળહળી ગયો.
*
નોંધ એની સ્વયં ગગન લે છે
કૂંપળોને હસાવજે જીવા.
*
આપણે જ્યાં ભીંજાયાં’તાં,
આજ પણ ત્યાં હરિયાળી છે.
*
‘લીલી’ હો યા ‘ભગવી’, બંનેને ફરકાવે,
ક્યારેય પવન ક્યાં ભેદ કશામાં રાખે છે.
*
ઈચ્છાનું જો પહેરણ સીવ્યું,
ખૂટ્યો આખેઆખો તાકો.
*
જ્યાં કદીયે કશું નથી ઊગ્યું,
એ જગાએ સવાર વાવીશું.
*
કોઈ બાળક આંગળી ઝાલે જરા,
ટેરવે ઉજાસ જેવું થાય છે.
*
તે છતાં મળતો નથી ચ્હેરો સ્વયંનો,
જેના ઘરની હર દીવાલે આયના છે.
*
ગુલાલ થઈ ગઈ શેરી આખી,
સ્હેજ ઊભાં એ ફળિયે આવી.
*
આખરે એ ટોચ સુધી લઈ ગઈ,
આમ તો કેડી બહુ નાની હતી.
*
શબ્દને લઈને પ્રથમ વિશ્વાસમાં,
જાઉં છું હું મૌનના સહવાસમાં.
*
જિન્દગીભર જેમણે જીત્યાં હ્રદય,
નોંધ એની ના મળી ઈતિહાસમાં!
*
રંગ ઊગી નીકળે છાંટો પડે ત્યાં,
આમ તો ક્યાં હોય છે રંગીન પાણી.
*
તોય ક્ષણભંગુરતાને ના સમજયાં,
રોજ લોકો બુદબુદાને જુએ છે.
*
હિન્દુ, મુસ્લિમ કે ન ઈસાઈ હતી,
હું બચેલી રાખને જોતો રહ્યો.

– રાકેશ હાંસલિયા (ક્યારેક ઉત્તર પણ મળે)

2 thoughts on “ચૂંટેલા શેર – રાકેશ હાંસલિયા

Comments are closed.