શ્વાસમાં

કોઈને આપ્યા રે અઢળક ઓરતા,
કોઈને આપ્યા રે વેરાગ…
સરખી આપી રે સહુને લાગણી,
અંતર આપ્યાં રે અતાગ…
સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા!

સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા,
સાજન દીધા રે સુજાણ.
મેળાપે મેળાપે માયા વિસ્તરે,
છાયા વિરહની અજાણ…
સગપણ સાંધ્યા ને સાંધી વેદના…

સગપણ સાંધ્યા ને સાંધી વેદના
ભીતર ભર્યા રે એકાંત,
ભીના દીધાં રે સંભારણાં,
કોરાં દીધાં રે કલ્પાંત…
મનને દીધા રે મારગ મૌનના…

મનમાં મૂક્યા રે મારગ મૌનના,
કંઠમાં મૂક્યા અનહદ સૂર,
મોકળા મૂક્યા રે મારગ શૂન્યના,
રૂવે રૂવે ઉગાડ્યા અંકુર…
– અણદીઠ તોયે એ મહેકે શ્વાસમાં!
માધવ રામાનુજ (અક્ષરનું એકાંત )