છાપ અલગ મેં છોડી – લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા, એક સન્માનીય, સાતત્યપૂર્ણ સર્જક નવો ગીત-સંગ્રહ “છાપ અલગ મેં છોડી” લઈને ઉપસ્થિત થયાં છે.એમનું હ્રદયપૂર્વક સ્વાગત કરું છું. તાજગીભર્યા કલ્પનો અને લયમાધુર્ય ભર્યા ગીતો મીરાંની બાની અને કબીરના દર્શનની ઝલક કરાવે છે.આવાં સુંદર સર્જન આપણને એમની પાસેથી મળતાં રહે એવી અઢળક શુભેચ્છાઓ!

તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું,
પરપોટા જેમ વિસ્તરતું રહે સતરંગી હું પણું…
* *
ઝીણી ઝીણી ઈચ્છા મનમાં ઝરણું થઈને ફૂટતી,
આવું કે ન આવું એવું અમથું અમથું પૂછતી.
* *
હોય અલગ અજવાળું સૌનું તથ્ય સહજ સમજાયું
ઉપર ઉઠતું બીજ પ્રથમ તો ભીતરમાં ફેલાયું
* *
વાત હ્રદયની કહેવી છે તો શીદને કરો વિચાર?
ખાલીપાને સરાણ સમજી કાઢો ખુદની ધાર
કાગળને આકાશ, શબદને સમજી લ્યો બસ પાંખો
મુઠ્ઠી ખોલી નાંખો
* *
છાપ અલગ મેં છોડી
હરખ વ્હેંચતા હૈયાએ તો ખુલ્લી રાખી ઝોળી
હળવેકથી વરણાગી ઈચ્છા ઝળઝળિયે ઝબોળી

* * * * * * * *

ભીનપવરણી તરસનો પડઘો દશ દિશે પડઘાતો
સખી, આષાઢ નથી સહેવાતો

અનરાધારનો ડોળ કરીને વરસ્યો ધીમી ધારે
કેમ કરી ઊંચકાય સખી, આ ગોરંભો છે ભારે
છાનું-છપનું અડકી લઈને વાયરો ય હરખાતો
સખી, આષાઢ નથી સહેવાતો

ચૈતરને મેં ગુલમહોરી શીળો થપ્પો દઈ દીધો
વૈશાખી ઉકળાટને કાગળ ઊપર ઠારી લીધો
લાખ ઉપાયે છૂટ્યો નહિ આ મેઘધનુષી નાતો
સખી, આષાઢ નથી સહેવાતો

રંગે-રૂપે નોખાં ટાણાં સંભાળ્યા છે સ્હેજે
વાત જરીક છે લાંબી સખી, પણ તું હોંકારો દેજે
ગમતીલા સંગાથ વગરનો વલોપાત વળખાતો
સખી, આષાઢ નથી સહેવાતો
લક્ષ્મી ડોબરિયા
(“છાપ અલગ મેં છોડી”  May 2019 )