એક જ ધરા ઉપર ઘણા ધર્મો શા કારણે?
જ્યારે મનુષ્યો છે બધા એકસરખા આપણે.
***
રહસ્યોના પડદાઓ ફાડી તો જો
ખુદા છે કે નહીં હાક મારી તો જો
***
ન અડકી પણ શકાયે કે ન છીપે પ્યાસ પ્યાસાની
રે! આ તે ઝાંઝવા છે કે જનાજો છે સમંદરનો?
***
કયામતમાં તને રસ છે, અને મુજને છે જીવનમાં,
પછી શું કામ આવું ત્યાં હું, મોંઘા પ્રાણને લઈને?
***
કંઈ પણ સબબ નથી, છતાં દિલ બેકરાર છે,
કારણ વિનાના દુઃખનો આ ઊંડો પ્રકાર છે.
***
એનો છે એ જ અર્થ સ્વજનની ઊણપ હતી,
અલ્લા’નાં નામ એટલે તો બેશુમાર છે.
***
ખારાં હતાં છતાંય હું અશ્રુઓ પી ગયો,
અવળું થયું નદી મહીં સાગર વહી ગયો.
***
ઠોકર અસંખ્ય મારી હું સીધું કરી દઈશ,
હદથી વધુ નસીબ જો મુજને સતાવશે.
***
ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે.
ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે?
***
જગતના તત્ત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે,
સરળ વાતો હું જ્યારે ચૂંથતાં શીખી ગયો હોઈશ.
***
મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.
***
ગમે ત્યારે જગાવો હાજરી દેખાય છે એની,
કહ્યું કોણે કે અંધારામાં અજવાળાં નથી હોતાં?
***
વિનય, સચ્ચાઈ, હમદર્દી ને સહેલી વાત માનવતા,
આ ઈન્સાનોના બસની વાત દુનિયામાં નથી હોતી.
-– જલન માતરી (1934-2018)
‘તપિશ’ માંથી