એક ઓવર-રેટેડ લાગણી, પ્રેમ ?-નેહલ

“તું કોઈના પ્રેમમાં છે?” એણે ગ્રીન ટી ની ચૂસ્કી ભરતાં ગરિમાને પૂછ્યું. ગરિમા ફિક્કું હસી, “અરે નહીં તો.” ” તો પછી ઓજસ કોઈના પ્રેમમાં છે?”  રિચાએ બીજો પ્રશ્ન કર્યો. ગરિમા હવે મોકળાશથી હસી પડી. “અરે, એવી કોઈ સમસ્યા નથી.” રિચા અને ગરિમા ઘણા વર્ષોથી ઑફિસમાં સાથે કામ કરે છે અને એકબીજાના ક્યારે નિકટના મિત્રો બની ગયા તે હવે યાદ પણ નથી. ઑફિસ તરફથી ગોઠવાયેલા સેમીનારમાં ત્રણેક દિવસ માટે ગોવા આવ્યા છે. ગરિમા પચાસની વય નજીક પહોંચવા આવી છે પણ સહેલાઈથી કોઈ તેને ત્રીસ પાંત્રીસ ની સમજે એવું શરીર જાળવ્યું છે. એક દિકરી અને એક દિકરો અમેરિકામાં ભણે છે. પતિ ઓજસ પણ ખૂબ સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. ગરિમા પોતે પણ પોતાની કંપનીમાં સન્માનનીય જગ્યા પર છે. એક પરફેક્ટ લાઈફ! બીજું શું જોઈએ?

રિચા સાથે સવારે જૉગીંગ કરીનેને આવ્યા પછી બંને મિત્રો દરિયાની સામે સવારની ખુશનુમા હવાનો આનંદ લેતા બ્રેકફાસ્ટ કરવા બેઠી છે. બંને ને વહેલા ઉઠી જવાની આદત છે અને હજુ સેમીનાર શરૂ થવાની વાર છે.

ત્યાં ગરિમાથી બોલી જવાયું;” આવો અદ્ભૂત પ્રેમ મેં ક્યારેય અનુભવ્યો જ નથી!”  એ બંને એ આગલી રાતે નેટફલીક્સ પર p.s. I love you. મુવી જોઈ હતી અને બંને ને બહુ ગમી પણ હતી. પણ સવારમાં ગરિમા આમ બોલશે એવું રિચા એ સપનામાં પણ વિચાર્યું નહોતું. એ બંને જણ વચ્ચે ક્યારેય કોઈ પોતાની અંગત વાત છૂપાવતું નથી. અને ગરિમાના નાના મોટા ઘણા પ્રોબ્લેમ્સ બંને એ એક-બીજા સાથે ડીસ્કસ કર્યા છે પણ પ્રેમ ના અભાવની વાત ક્યારેય નીકળી નથી. રિચા એની સામે થોડા આશ્ચર્ય અને થોડા puzzled look સાથે (કોયડાના ભાવથી) જોઈ રહી.

ગરિમા આગળ બોલી;” કદાચ આવો અભાવ મને જ ફિલ થતો હશે! ઓજસને નહીં , પુરુષો આ દ્રષ્ટિએ જીવન ને મૂલવતા નથી.” “તને યાદ છે, આપણે એ દિવસે ઈન્દ્રા નૂયીના ઈન્ટરવ્યૂ માં  જોયું હતું કે એ પહેલીવાર ખૂબ મોટું પ્રમોશન મેળવી ને ઘરે આવ્યા ત્યારે એમના માએ એમને અભિનંદન આપવાને બદલે ઘરમાં દૂધ ખલાસ છે તે પહેલાં લઈ આવવાનું કહ્યું હતું!” ” ઈન્દ્રા નૂયીને પણ આ વાતનું કેટલું મહત્વ હશે કે આટલા વર્ષો પછી પણ તેઓના મનમાંથી નીકળી નથી.” ” આપણે સ્ત્રીઓ ને કોઈ આપણી લાગણી સમજે નહીં એનું દુઃખ બહુ મોટું હોય છે.” ” કે પછી આ વસ્તુ ને જ્યારે હું બુદ્ધિ થી સમજવાની કોશિષ કરું છું ત્યારે ‘ મને પણ ઊર્મીઓ હોઈ શકે’ એવી મારી મૂળભૂત જરૂરિયાતનો નકાર કરું છું ?” ” મેં આ જ વાત જ્યારે ઓજસને કહેવા, સમજાવવાની કોશિશ કરી ત્યારે એણે ગંભીરતા થી સાંભળી પણ નહીં અને “it’s your hormones playing tricks on you”  (તારા હોર્મોન્સમાં થઈ રહેલા ફેરફાર આના માટે જવાબદાર છે) કહીને જે વાંચી રહ્યો હતો તે પુસ્તક માં થી મોંઢું પણ બહાર કાઢ્યું ન હતું!”

રિચા ગરિમા થી થોડા વર્ષો નાની છે, હજી સિંગલ છે,  અને લગ્ન કરવાની એક ઉંમર પાર કરી ગયા પછી બહુ સ્વસ્થ પણે આ સંબંધો ને જોઈ શકે છે. પોતાની જરૂરિયાતોને નકારવામાં માનતી નથી, એક-બે ઘનિષ્ઠ સંબંધો માં બંધાયા બાદ એમાં થી ઘણુંબધું જાત વિશે શીખી ને બહાર આવી છે, હા ગરિમાની મિત્રતાને લીધે બંને વખતના બ્રેક અપ પછી પણ સ્વસ્થ થઈ શકી છે. પરંતુ  પ્રેમ શબ્દ ને એ માનવીએ રચેલો ઈશ્વર પછીનો બહુ મોટો ભ્રમ માને છે. અને આજે ગરિમાના સુખી, સુંદર જીવનમાં ક્યાંક કાંઈ ખૂટે છે એ સ્વીકારી શકતી નથી. એ ગરિમા ની વાતને સમજવાની કોશિશ કરી રહી છે.

“આપણે પ્રેમ ને ઓળખવા, સમજવા, અનુભવવા માટે કહાનીઓ, ફિલ્મો કે બીજાની કહેલી, સાંભળેલી વાતો પર કેમ આટલો બધો વિશ્વાસ કરીએ છીએ? આપણા પોતાના માટે પ્રેમ શું છે એની વ્યાખ્યા આંખો મીંચીને પોતાને, ખુદને કેમ નથી પૂછતાં?”  ગરિમા લગભગ સ્વગત જ બોલી રહી હતી. એ આગળ બોલવા માંડી, “હું એક આંગળી મૂકી ને બતાવી ન શકું કે મને આ અભાવ ની લાગણી કેમ અને ક્યારે જન્મી પણ હા મને તરબતર કરી મૂકે, મારા અસ્તિત્વ ના કણે કણને પોતાના તેજથી અજવાળી દે, ઝળહળ કરી દે, એવા પ્રેમનો ક્યારેય અનુભવ થયો જ નથી!” “હું શયનખંડના એકાંતમાં જ વ્યક્ત થતાં પ્રેમની વાત નથી કરી રહી, I hope you understand what I mean. (હું જે કહેવા માગું છું તે તું સમજે છે ને?)”

રિચા એને સાંભળી રહી હતી, ગરિમા આગળ બોલી;  “શું આને જ મિડ લાઈફ ક્રાઇસીસ કહેતા હશે કે પછી ઓજસ સાચું જ કહે છે કે આ મારા મેનોપોઝના શરુઆતની અસર છે.”  રિચા થોડીવાર મૌન રહીને બોલી;  “હું માનું છું તે મુજબ આ બધું મનમાં ઊગવાનું કારણ તારી ઉંમરનો એ પડાવ છે જ્યાં તું અત્યારે પહોંચી ચૂકી છે.” ” જિંદગીની શરુઆતમાં મન અનેક દિશાઓમાં ઝૂઝતું હોય છે. આપણે ભણીને કારકિર્દી બનાવવાની હોય, કોઈ મનગમતી વ્યક્તિ મળી જાય જીવનસાથીના રુપમાં તો ઘર વસાવવાનું, બાળકોનો પ્રવેશ, ઉછેર,અભ્યાસ, પ્રવૃત્તિઓ અને સાથે પોતાની કૅરિયરમાં પણ આગળ વધતા રહેવાનું,…  ” મને યાદ નથી કે તું આ પહેલાં ક્યારેય આટલી નવરાશથી બેઠી હોય. તને યાદ છે કે તું તારી જાત સાથે છેલ્લે ક્યારે એકલી પડેલી?”  ગરિમા સમંત થતાં માથું ધૂણાવીને કહે; ” કદાચ તું સાચું કહે છે.”  અચાનક ઘડિયાળમાં જોતાં બોલી; ” અરે વાતોમાં ક્યાં સમય પસાર થઈ ગયો ખબર જ ના પડી. જલ્દીથી તૈયાર થઈને સેમિનાર હૉલમાં મળીયે.”

પછીના દિવસો બહુ જ વ્યસ્ત રહ્યાં, હરવા-ફરવામાં અને સાંજની પાર્ટીઓમાં. બંનેને એકલાં નિરાંતે બેસીને આ વિષય પર વાત કરવાનો સમય મળ્યો જ નહીં. મુંબઇ પાછા ફરતાંની સાથે પોત પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. ગરિમાને પ્રમોશન મળતાં એ હેડ ઑફિસમાં શિફ્ટ થઈ અને રિચાને પ્રમોશન મળતાં દિલ્હી જવાનું આવ્યું. બંનેના પ્રમોશનની અને રિચાના ફૅરવેલની પાર્ટી ગરિમાના ઘરે રાખી હતી. રિચા, એના સામાનને મુવ્હવર્સ ઍન્ડ પેકર્સ સાથે મોકલી આપ્યો હતો એટલે ગરિમાના ઘરે જ રોકાવાની હતી. બધા જતા રહ્યા પછી બંને મિત્રો પોતાનું ડ્રીંક બનાવીને ટૅરેસ ગાર્ડનમાં બેઠી. ઓજસ આવીને બંનેને કહે;” હું સવારે ઑફિસ જલ્દી જવાનો છું એટલે તમારી સાથે વાતો કરવા નહીં બેસી શકું.” ” રિચા, વીશ યુ ઑલ ધી બેસ્ટ.” ” હું દિલ્હી ઘણીવાર આવું છું, કાંઈપણ જરૂર હોય તો મને કૉલ કરજે.” એ સૂવા ગયો એટલે રિચાએ ગરિમા સામે મર્માળું હસતાં કહ્યું;” આપણી ગોવામાં અધૂરી રહેલી વાત હું હજી સુધી ભૂલી નથી, તું એમ છટકી નહીં શકે.” ગરિમા ખડખડાટ હસતાં કહે;” હું તારાથી છૂપાવીને કોઈ વાત રાખી શકું નહીં પણ આજે તો તારી વાતો સાભળવાનો મૂડ છે મારી વાત ફરી કોઈ વાર કરીશું.” ” તું અચાનક આટલા વર્ષે પ્રમોશન માટે અહીંની સરસ ગોઠવાયેલી જિંદગી છોડીને જવા કેમ તૈયાર થઈ ગઈ?”  રિચા મોં પર ચોરી પકડાઈ ગઈ હોય એમ બ્લશ થતાં કહે; ” તું તે દિવસે તરબતર કરી દે એવા પ્રેમની વાત નહોતી કરતી, એવું જ કોઈ મળ્યું છે, પ્રેમ છે કે નહીં ખબર નથી પણ એની સાથે હોઉં છું પોતાને બહુ calm  feel કરું (શાંત અનુભવું) છું. મેં તને મારી ફોટોગ્રાફીની વર્કશૉપ કર્યા પછી બનેલા નવા મિત્રોની વાત નહોતી કરી એમાં જ મળી એને, ડૅનિયલ એનું નામ છે. ફોટોગ્રાફર છે, સ્પૅનિશ છે. એને માટે હું સ્પૅનિશ ભાષા શીખી રહી છું અને સમરમાં સાથે ટ્રેકિંગનો પ્લાન છે. એ હાલ દિલ્હીમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મના કામ માટે થોડા મહીના રહેવાનો છે, આગળની કાંઈ જ ખબર નથી. પણ આઈ એમ સો એક્સાઇટેડ. એને રોજ મળવાના વિચારથી જ. એ કદાચ મારા ઘરે રહેવા પણ આવી જાય, he might just move in with me. Look, જો હું અત્યારે જીવનમાં એ તબક્કે છું મને આજમાં જીવવાની મઝા આવે છે, મારી કાલ મારા ઇન્વેસ્ટમેન્ટસથી secure (સલામત)  કરી દીધી છે એના પર હું કોઈ રીતે ડીપેન્ડન્ટ આધારિત નથી એક માણસને આત્મીય મિત્ર તરીકે પામી લીધા પછી એ પુરુષ છે એટલે મારે લગ્ન વિશે જ વિચારવું જોઈએ એવું હું માનતી નથી. લગ્ન કરીને સાથે રહેવા માટે બહુ બધાં ઍડજસ્ટમેન્ટસ (બાંધછોડ) કરવી પડે જેને માટે હું હવે તૈયાર (કમ્ફર્ટેબલ) નથી.” ગરિમાના માટે આ સાંભળવું નવું ન હતું, રિચાને એ સ્વતંત્ર મિજાજની મજબૂત સ્ત્રી માનતી હતી અને અત્યંત બુધ્ધિશાળી પણ, એ સાવ લાગણીઓમાં તણાઈ જાય એવી નથી. એણે કહ્યું; ” આઈ એમ કીપીંગ માય ફિંગર્સ ક્રોસ્ડ, યુ મે હેવ ફાઉન્ડ યોર સોલ મેટ.” (હું આશા રાખું કે કદાચ તને તારો સોલ મેટ મળી ચૂક્યો છે.)હું તારા માટે બહુ જ ખુશ છું.

એ પછી બીજા દિવસે રિચા ફ્લાઇટમાં દિલ્હી જતી રહી. બંને મિત્રો વચ્ચે વ્હોટસ એપ પર નિયમિત ચૅટ થયા કરતી હતી પણ બંને જણ સાથે બેસીને સમયના બંધન વિના વાતો કરવા મળે એવા દિવસની રાહ જોતા હતા. એવો દિવસ પણ આવી ગયો, ગરિમાને દિલ્હી જવાનું થયું, ઑફિસના કામ માટે જ. શનીવારે એની બધી મિટીંગ્સ એક દિવસમાં પૂરી થઈ ગઈ, રાત્રે જ રિચાના ઘરે પહોંચી ગઈ. બીજે દિવસે, રવીવાર હોવાથી રાત્રે નિરાંતે વાતો થશે એમ વિચારીને  એણે  રિચાના ઘરે જ રહેવાનું પસંદ કર્યું. બંને મિત્રો એકબીજાને  લાંબા સમયે મળી રહી હતી, હોંશથી એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરી. ગરિમા બહુ જ ખુશ જણાતી હતી, ડીનર પરવારી બંને જણ કૉફી લઈને સામ-સામા સૉફા પર પગ લંબાવીને બેઠા. “ડૅનિયલ ક્યાં છે?” ગરિમા એ સવાલ કર્યો. રિચા બોલી; “એની એક્સ વાઇફ અને દિકરીને મળવા લંડન ગયો છે. એની દિકરીનું યુનિવર્સીટી ઍડમિશન વગેરે પતાવીને નેક્સ્ટ વીકમાં પાછો આવી જશે. એનું અહીંયા કામ વધી રહ્યું છે, એ ખુશ છે અને તું તો જાણે જ છે મુંબઈ બ્રાંચમાં મને આવતા બે-ત્રણ મહિનાઓમાં પાછી બોલાવી રહ્યા છે અને ડૅનિયલને પણ મુંબઈ ઘણી વાર જવું પડે છે. અમે બંનેએ મુંબઇમાં સહીયારું ઘર લીધું છે અને એને ડૅનિયલ સજાવી રહ્યો છે. એણે મને વિધીવત્ પ્રપોઝ કર્યું પણ હું પરણવામાં ઉતાવળ કરવાની નથી. એને કહું છું, શું ખબર પાંચ વર્ષમાં તને કોઈ બીજું ગમી જાય તો આ સંબંધ તારા માટે બોજો ન બની જાય.”  “અને તારું શું? તેં એ વાતનો વિચાર કર્યો છે ખરો? તું ઘર તો સહીયારું લઈને બેઠી છે અને સાથે જીવવાનું કમીટમેન્ટ કરતાં કેમ ડરે છે?”  ગરિમાના અવાજમાં રિચા માટેની ચિંતા સાથે થોડો ઉશ્કેરાટ ભળેલો હતો. “તારી વાતને લીધે,”  રિચા બોલી. “તારી ગોવામાં સાંભળેલી વાત મારા મનમાંથી હજુ ખસતી નથી. મને ડૅનિયલ મળ્યો ન હતો ત્યાં સુધી એમ જ હતું કે તારું આટલું પરફેક્ટ લગ્નજીવન હોવા છતાં તને આટલાં વર્ષો પછી એમાં અધૂરપનો અનુભવ થાય છે તો મારે એ લાગણીઓના ઝંઝાવાતભર્યા રસ્તે ચાલવું જ નથી. પણ ગમે તેટલી સભાનતા રાખી હોવા છતાં ડૅનિયલ સાથેનું જીવાતું જીવન જ સાચું, સફળ લાગવા માંડ્યું ત્યારે તારા પ્રશ્નોમાં રહેલી અસુરક્ષિતાની લાગણી, પ્રેમ, અઢળક પ્રેમ કર્યા પછી પણ જો સામો એવો જ ધોધમાર પ્રેમ ન મળે તો? તો શુંની લાગણીએ મને વિહવળ કરી મૂકી અને તને પહેલી વાર સમજી શકી. જેને હું તારા નવરા પડેલા મનના વિચાર વિહારો સમજતી હતી એને દિલના ઊંડાણથી બળબળતા ઘાની જેમ અનુભવી શકી. તું અને ઓજસ બહુ જ સમજુ અને ઠરેલ વ્યક્તિઓ છો, બાળકોના ભવિષ્ય માટે ક્યારેય અલગ થવાનું નહીં વિચારો. પણ તારી જેમ હું ના જીવી શકું.”  રિચાએ આગળ બોલતાં કહ્યું; ” હા, મારે બાળકો નથી કરવા, પહેલાં દત્તક લેવાનું વિચારતી અને ડૅનિયલને પણ એ વિચાર ગમ્યો હતો પણ હજુ એ વિશે પણ નિર્ણય નથી લઈ શકી.” ” જેટલું સાથે જીવવા મળ્યું છે એને મારી કે એની આશાઓ, અપક્ષાઓ,યોજનાઓના બોજથી ગૂંગળાવી નથી દેવું. ડૅનિયલ પણ સમજે છે કે હું હજુ પૂર્ણ રૂપે લગ્ન બંધન માટે તૈયાર નથી અને એ મારી લાગણીઓને માન આપે છે, રાહ જોવા તૈયાર છે ”  “તારી વાત ઘણે અંશે સાચી છે કન્વેન્શનલ લગ્નમાં આવો સંવાદ થઈ શક્તો નથી, થાય તો પણ એના પછી લેવાતા નિર્ણયો એક-મેકના અહમની પૃષ્ઠભૂમી પર રચાયા હોવાથી જિન્દગી પહેલાં જેવી સામાન્ય નથી થઈ શકતી, એક જાતનો મનમાં ખટકો રહી જાય છે.”  ગરિમા બોલી; ” હું પ્રેમ વિનાની પરફેક્ટ જિન્દગી જીવતાં શીખી ગઈ છું, પ્રેમ એ કદાચ મારા માટે એક ઓવરરેટેડ શબ્દ બની ચૂક્યો છે પણ તને તારી પ્રેમથી ભરપૂર ઇમપરફેક્ટ જિન્દગી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.”

– નેહલ
………………………………………………………………….