મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર

મારામાં હોય એક આખું આકાશ
એમાં પંખીની જેમ હોય તું
પંખીમાં હોય ભર્યો ટહુકાનો શ્વાસ
અને શ્વાસમાં સમેટાતી હું

તારામાં હોય લીલાં લાગણીના વન
અને ભુખરી ઈચ્છાઓના માળા
મારામાં હોય થોડાં ફૂલ અને પાન
અને વહેતી હવાના સરવાળા
વહેતી હવાની કોઈ નાની શી લ્હેરખીમાં
પાંદડાની જેમ હોય તું
પાંદડામાં હોય કુણા સપનાના ચાસ
અને ચાસ મહીં ચિતરાતી હું…..

તારામાં હોય ભર્યા દરિયા અફાટ
અને મોજાંનું ઉછળતું ગીત
મારામાં હોય થોડાં રેતી અને છીપલાં
ને ખારા આ જળની તે પ્રીત
જળની આ પ્રીત ભરી ઘુઘવતી લાગણીનાં
ઘોડાપૂર જેમ હોય તું
પૂરમાં તણાય જાય ધરતી આકાશ
એવા આકાશે ખોવાતી હું……
– નંદિતા ઠાકોર (૨૦૦૫)

2 thoughts on “મારામાં તારુંઅજવાળું- નંદિતા ઠાકોર

Comments are closed.