પ્રેમ વિષે – જાગૃતિ ફડિયા

એક દી’ સખી
હું અને દરિયો બેઠાં’ તા કંઈ વાતો કરતા,
ગોઠવાઈ ગયું ત્યાં આવી કાળું વાદળ,
ધીંગામસ્તી કરતાં કરતાં,
મેં દરિયાને પૂછયું
આકાશ, ક્ષિતિજ અને તારા વિષે
અવિરત પ્રેમના કોઈ કારણ વિષે
તેણે છોળો ઉડાડી કહ્યું મને
સૂર્ય, ચંદ્ર અને તારા વિષે
તે પૂછી બેઠો મને
પ્રેમના કો’ કૌતુક વિષે
અને હું કહી બેઠી
મારા અને તારા વિષે
પછી, હું અને વાદળ ફરવા ગ્યા’ તાં,
સોનેરી રેતી પર તરવા ગ્યા’ તાં,
મેં પૂછ્યું એને આમ ભર્યા ભર્યા રહેવા વિષે
અને અજાણા સ્પર્શેય
મન મૂકીને વરસવા વિષે
તેણે દરિયા સામે આંગળી ચીંધી
સામે પૂછ્યું મને
એના નિઃસ્પૃહીપણા વિષે
આમ સમગ્ર એનું
કાંઠે ઠાલવી જવા વિષે
અને હું પામી ગઈ
પ્રેમના કો’ વણલખ્યા ધારા વિષે
જાગૃતિ ફડિયા
‘કશ્તી કા ખામોશ સફર હૈ… ‘ માંથી
(કૅનેડા-અલાસ્કા ક્રૂઝના સંસ્મરણો)

2 thoughts on “પ્રેમ વિષે – જાગૃતિ ફડિયા

Comments are closed.