એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

લો ફરી વર્ષો પછીથી શાયરી કે’વાઈ ગઈ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ.

તીવ્રતા બુઠ્ઠી થઈ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે તે કરવતો ખોવાઈ ગઈ.

એ જ લોકો, એ જ ગઝલો, એ જ અધૂરાં સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.

શું કરું, મારા રુદનની સાબિતિનું શું કરું?
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું?
એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.
સૌમ્ય જોશી