તપતો સૂરજ ખિસ્સે રાખી ચાલી નીકળો,
ખુદનો પડછાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો.

કાંઠાઓ તોડીને દરિયા ઊમટે સઘળા,
મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો.

લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,
સૂકી ભોમમાં સપનાં વાવી, ચાલી નીકળો.

પવન બનીને મોસમ, પોતે પછી શોધશે,
ટહુકાઓ કંઠે છુપાવી ચાલી નીકળો.

પોતીકા આકાશને અઢળક વીંધ્યે રાખો,
વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો.
 ~છાયા ત્રિવેદી (ટેરવે પરપોટા)