હોવાનો

તેજનો ભરોસો શો,
અન્ધકાર હોવાનો,
પ્યાર હો ન હો સરખું,
ઇન્તેજાર હોવાનો.

ચાલુ કે ન ચાલુ હું,
એ જ સાર હોવાનો,
લક્ષ્યની તમન્નામાં,
બેકરાર હોવાનો.

ઓ જવાની પાછી વળ,
શોધતાં ન વળશે કળ,
એ જ રુપની પાછળ,
એ જ પ્યાર હોવાનો.

આ તો એ જ રસ્તો છે,
મોતનો શિરસ્તો છે,
જન્મ તો અમસ્તો છે,
તું ખુવાર હોવાનો.

મૃગજલે હું રણ થૈને,
પથ્થરે ઝરણ થૈને,
જીવમાં મરણ થૈને,
હું અપાર હોવાનો.

સ્પર્શ છું ને પંકજ છું,
હું નથી ને એમ જ છું,
જ્યારે હું જ સૂરજ છું,
તો તુષાર હોવાનો.

બુન્દ છું સમન્દર છું,
હાથ છું સિકન્દર છું,
હું ભલેને અન્દર છું,
પણ બહાર હોવાનો.

કલ્પના તો છલમાયા,
સત્યના જ પડછાયા,
ભેદ એ જો સમજાયા,
તો ન સાર હોવાનો.

એકલો છું દર્પણમાં,
જેમ મોર શ્રાવણમાં,
આંખ મીંચતી ક્ષણમાં,
યુગ ચિકાર હોવાનો.

એક ઈવ એક ‘આદમ’,
બે જુદી જુદી મોસમ,
થાય એમનો સંગમ,
સદ્વિચાર હોવાનો.
શેખાદમ આબુવાલા( હવાની હવેલી, 1978)