મનને કાંઈ ગમતું નથી.
એને ભીડમાં ખોવાયેલું ગીત જડતું નથી.
મનમાં સૂતેલું સપનું ન જાગે,
આંખની ધારે અટકેલું આંસુ ન ખરે,
અને ડૂમાનો થીજેલો કાળો સૂરજ,
આયખાના આકાશેથી ઢળતો નથી.
છાતીના પિંજરમાં કેદ સૂર,
શ્વાસોની વાંસળીએથી વહેતા નથી.
પગમાં નર્તન થીજી ગયું,
ઘૂઘરીઓને રણકાર જડતો નથી.
યાયાવર પક્ષી આ જીવ; માઈલો કાપ્યા,
પાંખો થાકી, આકાશ ખૂટ્યું,
માળો મારો નજરે ચઢતો નથી.
અજંપાનો વડવાનલ ખળભળે મનના તળિયે,
ઝાંઝવાનો સાગર સૂકાતો નથી.
ચાંદ-સૂરજ ઊગે આથમે આભની અટારીએ,
મનાકાશને કશું રંગતું નથી.
અક્ષરોની ભીડ લાગી અંતરે કરે મૂંગો કોલાહલ,
શબદ ક્યાંય ગૂંજતા નથી.
કવન હવે વહેતું નથી.
શબ્દોમાં કાંઈ ઊગતું નથી.
મનને કાંઈ ગમતું નથી.
– નેહલ

Poetry, my poems © Copyright 2018, Nehal