યાત્રા – અમૃતા પ્રીતમ અનુવાદ: અરૂણા ચોકસી

યાત્રા
સમયની છાતીમાં દટાયેલા કોઈ રહસ્યનું બીજ ક્યારે કોળી ઊઠ્યું એ તો હું જાણતી નથી. પણ એ એની જ સુગંધ હતી જે મારી રાતોનાં સપનાંમાંથી આવતી હતી…
કોણ જાણે કેટલીય કવિતાઓ મેં સપનામાં લખી હશે. એમાંથી કેટલીક પંક્તિઓ ક્યારેક સ્મૃતિમાં સચવાઈ રહેતી, તો ક્યારેક સ્મૃતિના હાથમાંથી સરી પણ જતી. મારી નવાઈ વચ્ચે એક દિવસ આવું પણ લખાયું—
ઊંચી ઊંચી દીવાલો છે, અજવાળું દેખાય નહિ–
રાત રમે છે સમણામાં ને કાંઈ કશું કહેવાય નહિ..
પણ જે સમજી શકી તે એક ઊંડી અનુભૂતિ હતી કે અંતરજળમાંથી ઊઠી છે એક લહેર, ને લહેરના પગમાં બંધાઈ છે એક યાત્રા….
* * * * * * *

મને ખબર નથી-
કે ‘આજ’ની નાવ કેવી છે.
નથી જાણતી કે-
‘કાલ’નો દ્વીપ કેવો હશે.
પણ જાણું છું-
કે પ્રેમ એક યાત્રી છે
અને પ્રેમે સાવ એકલાંઅટૂલાં
આ નાવમાં જવાનું છે…

અંતરજળમાંથી-
ઊઠી છે એક લહેર
લહેરના પગમાં
બંધાઈ છે યાત્રા
એક કિરણ રોજ આવે છે.
કહે છે-
ચાલ, મારી સાથે ચાલ!
આપણે સૂરજના ઘરમાં જવાનું છે…
મને ખબર નથી-
કે ‘આજ’ની નાવ કેવી છે
અમૃતા પ્રીતમ (1959)
(એક મુઠ્ઠી અક્ષર – અનુવાદ:અરુણા ચોકસી)

[કબીરે પોતાની વાણીને ‘સંધ્યાભાષા’ કહી છે. એક એવી પણ અવસ્થા હોય છે કે જેમાં આપણે નથી હોતા સંપૂર્ણ નિદ્રાવસ્થામાં, કે નથી હોતા સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં…
આપણું ચેતન મન, એ આપણાં કુટુંબ-પરિવાર, સમાજ અને દુનિયાદારીએ આપેલ ચિંતનનો સંચય છે. અર્જિત જ્ઞાનનો સંચય, સહજ મનનો કેટલોય હિસ્સો નકારી કાઢે છે. આપણું અવચેતન મન જાણે કેટલીય સદીઓના અનુભવને પોતાનામાં સંગોપીને બેઠેલું હોય છે અને મનનાં કેટલાંય પડળોમાં સચવાયેલું એ બધુંય ઘણુંખરું ખામોશ રહેતું હોય છે….
ફક્ત એક કબીર થઈ ગયા જેમણે કૃષ્ણની જેમ સર્વનો સ્વીકાર કર્યો અને અંતર્મુખ થઈને જે વાણી તેમણે પ્રાપ્ત કરી, તેને ‘સંધ્યાભાષા’નું નામ આપ્યું…
એક શાયર પણ એટલો સમર્થ જરુર હોય છે કે તે આ અવસ્થા કદાચ મેળવી ન શકે, પણ જરૂર ઓળખી તો શકે છે.
અમૃતા પ્રીતમ ]