સુખ કહે – સંજુ વાળા

 

સુખને તું સુખ કહે એમાં શું?
દુ:ખના છેડાને સ્હેજ ખેંચે
ને ચોમાસું બેસે તો કંઈક થયું જાણું

ઝાડને મળે છે એનાં પાંદડાઓ
એ જ રીતે આપણને મળ્યું હોય ટળવળવું,
લખીએ નિબંધ : જાત ઝુરાપો
કવિતામાં કહીએ તો જીવનો સુકાવો ને બળવું
એટલે કે, સો ટચનું સંવેદન
રૂપકડા જિલેટીન પેપરમાં વીંટી ઉછાળું?
સુખને તું સુખ કહે એમાં શું?

વેંતવાંભ રહી જાતી ઊંચાઈ
આંબવાની નિસરણી શોધવાની કઈ રીતે સાચી?
દોડીને જઈ જાવું રેલો, કે
ઘરમાં બેસીને રોજ છાપાંમાં વાંચવાની રાશિ?
જાવા દે, તારી સાથે નહીં બને
એમ કાંઈ નાળબંધ પ્રશ્નોનું ઉઘાડશે તાળું?
સુખને તું સુખ કહે એમાં શું?
 – સંજુ વાળા (રાગાધીનમ્)