કોઈ આંખની મરુભૂમીમાં સપનાની જેમ ઊગે
અને પછી રૂંવે રૂંવે સુગંધની જેમ પમરે
એને કહેવાય કાંઈ પ્રેમ!
કોઈ ધડકનના તાલે મનમાં હળવું ઝૂલે અને
એની આંખની અટારીએથી એક સાવ નવો પ્રદેશ ખૂલે
એને કહેવાય કાંઈ પ્રેમ!
કોઈની સ્મિતભરી આંખોથી મનમાં દીવા પ્રગટે
અને ઝળહળતી નદી સાવ અંધારે ખૂણેથી વહી નીકળે
એને કહેવાય કાંઈ પ્રેમ!
કોઈના સ્પર્શની સુંવાળપ જીવન રસ થઈને પ્રસરે
અને સઘળું બેસૂરુ સૂરમય થઈ ગૂંજે
એને કહેવાય કાંઈ પ્રેમ!
કોઈની વાતો મનની માટીમાં પહેલો વરસાદ થઈ વરસે
અને ‘હોવું’ સમગ્ર વસંત થઈને ખીલે
એને કહેવાય કાંઈ પ્રેમ!
– નેહલ
Poetry, my poems © Copyright 2018, Nehal