ચૂંટેલા શેર

જે પ્હેરીને મસ્ત રહે તું
એવું પ્હેરણ પ્હેર હવે તો

*

કોરો કાગળ વાંચી લે જે
લોકો એવા જ્ઞાત જ ક્યાં છે?

*

હોવાની ફરિયાદો ના કર
હોવું દુઃખતી રગ છે બાવા

*

તે છતાં તું દર્દ દે છે સામટાં
આપણા બેમાં કદીયે વેર ના

*

બુદબુદાની જેમ હું તણાયો છું
ખુદના કુરુક્ષેત્રમાં હણાયો છું

*

અમી-છાંટણાની છે વાતો અજબ
શિલામાંય લીલી ટશર થઈ ગઈ

*

છો જીવે દુનિયા ‘અઝીઝ’ એની તરસમાં
ખુદને નાણી જોઈ અનરાધાર જીવો

*

પીડાના તાંદુલ બાંધ્યા
દિલ કેવું શ્રધ્ધાળુ છે?

*

અનુકૂળતા પર નથી આશ તેથી
અમે નાવ સોંપી પ્રતિકૂળ હવાને

*

માળો કર્યો છે પંખીએ સરહદના વૃક્ષ પર
બંને તરફ છે યુદ્ધના બકવાસ જેવું કેમ?

*

ઘાવ ઊંડા થયા છે ‘અઝીઝ’ તેથી શું?
એ બહાને દરદથી ઘરોબો થયો

*

ખુદની હકીકતોની હજી કંઈ ખબર નથી
ઈશ્વર વિશેનું તથ્ય અમે શોધતા રહ્યા

*

આમ હોવાની હોડ જામી છે
આમ હોવું કપોળકલ્પિત છે

*

દરિયો, સરવર, નદી લખીને કરવાના શું?
આંખોના ઊંડાણે સૂતી વાવ લખી દઉં

*

કઈ પેરે સાચવશું એને
જળ જેવો જન્મારો હો જી
– અઝીઝ ટંકારવી (‘અટકળનો દરિયો’ 2006)