તને મેં ચાહી છે
(ખંડ – શિખરિણી)

તને મેં ચાહી છે અનહદ, કશા કારણ વિના;
ન કે જીવ્યાનું ત્યજી દીધું પ્રિયે!
હું તો મારે જીવ્યા કરું છું હજીયે!
તને મેં ચાહી છે ચુપચુપ, કશા કારણ વિના,
અને મેં પીધી છે પૃથ્વીય કશા ચાળણ વિના,
પીધું પાંચે-ભૂતો તણું છલકતું પીણું-
બૃહત્પાત્રે આથ્યો મધુરસ, ઝીણું-
ઝીણું છિદ્રે છિદ્રે ઝમતું હતું જે ઝારણ વિના,
વળી મેં ચાહ્યું છે જીવન ય કશા કારણ વિના,
ન કે હું ત્યાં તેથી બહુ સુખી હતો,
ન કે હું ત્યાં સૌથી વધુ દુઃખી હતો,
હું ચાલ્યો આવ્યો છું અહીં લગી કશા તારણ વિના,
ઉછેર્યો પોષાયો દરદથી, દવા-મારણ વિના,
અનાયાસે, અગ્રે સરકી રહું આધારણ વિના.
ઉશનસ્ (નટવરલાલ પંડ્યા )(2002)
‘ઉશનસ્ નાં ઉત્તમ સૉનેટો’ સંપાદક : દેવેન્દ્ર દવે