આ રસ્તો

આ રસ્તો
મને ક્યારેક કઠે છે.
એની પાર જવાને હું મથું છું,
પણ એ મને પલોટે છે, રજોટે છે,
વેરે ને વિખેરે છે.

એની વચ્ચે જઈને માથું ઊંચકી શકાતું નથી.
એમાં હાલ્યાં જતાં
લોકોનાં ધણના ગોવાળિયા થવાતું નથી.
એની બાજુએ વૃક્ષ થઈને ઊગી શકાતું નથી.

અહીં જીવ્યા કરું છું,
પણ હું અહીંનો જીવ નથી.
અહીં જ રોજ રહેવાનું છે,
પણ રહેવાની રીત બદલી શકાતી નથી.

આ રસ્તે
માનવમોજાંની છાલક ઝીલતો
હું ખડક છું ખડક:
મારી જીભે ખારો સ્વાદ છે,
અને છતાં દિલમાં ઘૂઘવે છે
સાત સમંદર પાર જવાની અવિરત રટણા.
નીતા રામૈયા (‘શબ્દને રસ્તે’ 1989)