શું છે?
અરે, આ જન્મજન્માંતર તણું આવાગમન શું છે?
પવન શું, પાણી શું,પૃથ્વીય શું ને અગન શું છે?
આ માટીમાંથી જન્મી માટીમાં થાતું દફન શું છે?
અગ્નિમાંથી પ્રગટી અગ્નિને ખોળે દહન શું છે?
અમે બ્રહ્માંડની વિસ્તીર્ણતામાં વિસ્તરી ચાલ્યા;
પછી નકશાઓ, સરહદ, વાડ કાંટાળી, વતન શું છે?
અમે શ્વાસોની વચ્ચે ઝૂલતા અવકાશમાં વસીએ;
કળી શું, મ્હેક શું, ઉદ્યાન શું ને આ સુમન શું છે?
અમારે હોડ ચાલે મળસકે રોજ ઝાકળથી,
છતાંય સૂર્ય પૂછે છે કે આ અશ્રુવહન શું છે?
ભરીને ભૂંગળીમાં વહેતું મૂકી દઈશ – પાણીમાં;
ન પૂછો કે કલમ, કાગળ, શબદ, અક્ષર, કવન શું છે?
ટક્યા છીએ અમે આકાશના ઓઢણને આધારે;
અમે શું જાણીએ જગમાં કબર શું છે, કફન શું છે?
– ભગવતીકુમાર શર્મા
( ગુજરાતી કવિતાચયન 2004 – સંપાદક: નીતિન વડગામા)
Whaaaaaa
LikeLiked by 1 person
અમે બ્રહ્માંડની વિસ્તીર્ણતામાં વિસ્તરી ચાલ્યા;
પછી નકશાઓ, સરહદ, વાડ કાંટાળી, વતન શું છે?
વિરાટમાં જેનો વસવાટ તેને આ માનવ જિવના વલખાં ક્યાંથી પોસાય!
LikeLiked by 1 person