આપણે અત્યાર થઈ ઊભા રહ્યા; ને-
થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની.
* * *
હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી કૂટું? રોવું? શું કરું?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
* * *
છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
* * *
એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
* * *
સમયને પ્હેરવો સ્હેલો નથી, પણ આદતોનું શું?
અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને
* * *
વહેવું એટલે શું, અર્થ સમજાયો હવે થોડો,
યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને.
* * *
ભાઈ ખાલીપા! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
* * *
માણસ મટીને પળમાં હું થઈ ગયો સરોવર,
ને રોમરોમ ઊઠ્યું જાણે તરંગ જેવું.
* * *
આટલા વરસાદની વચ્ચે અને આ વાદળો વચ્ચે,
સાત રંગોમાં કર્યો છે ઈશ્વરે પ્રસ્તાવ; વાંચી લે.
* * *
આંસુ, ઝાકળ, વરાળ કે વરસાદ બધાંમાં કરું પ્રવાસો,
પાણી છું હું બધી જગાએ લઈને નોખાં નામ ભમું છું.
* * *
સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
* * *
ક્ષણે ક્ષણે અટકળમાં જીવ્યા, આ તે કેવા છળમાં જીવ્યા?
અમે અમારું સઘળું લઈને માત્ર તમારી પળમાં જીવ્યા.
* * *
શબ્દ સઘળા ગણગણી ઊઠે તને, તું રણઝણી ઊઠે,
કૈંક તારાં ફેફસાંમાં એટલું ચંચળ લગાવી દઉં.
* * *
કૈં નવો આકાર મેળવવા સતત હું,
મારું લોખંડીપણું ટીપી રહ્યો છું.
* * *
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોંપ્યું;
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
* * *
એ જ ઉદાસી એ જ ઘાવ ને એ જ બધીયે ભ્રમણા,
એ જ પેન ને પાટી લઈને ભણી ગયેલું ભણવા બેઠા.
* * *
તારાં સ્મરણો મારી અંદર એક નદીને તીરે આવી,
સીંધ ખીણની સંસ્કૃતિ સમ ભીતરમાં પાંગરવાં લાગ્યાં.

અનિલ ચાવડા (‘સવાર લઈને’ માંથી)