ડૂબ્યા…

આ સમયને પાર કરવા નીકળ્યા-
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

સ્વચ્છ, પાવન, પારદર્શી વહેણ કેવું?
દોડતાં પહોંચ્યા અને મૃગજળમાં ડૂબ્યા.

નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.

જે દીવાએ સ્હેજ અજવાળું વધાર્યું-
એ દીવાની મેશના કાજળમાં ડૂબ્યા.

પ્રેમની વાતોય લાગી પ્રેમ જેવી,
એમ ને એમ જ અમે અટકળમાં ડૂબ્યા.

કોઈ માને કે ન માને, સત્યનું શું?
સ્વપ્ન જે જોયાં હતાં, ઝાકળમાં ડૂબ્યા.

પૂર્વગ્રહની પાર કંઈ જોયું નહીં,
તારનારા સાવ આછા જળમાં ડૂબ્યા!

સાવ પોતાનું જ લાગ્યું હોય એવા,
આંસુ જેવા એ રૂપાળા છળમાં ડૂબ્યા!

આ સમયને પાર કરવા નીકળ્યા,
ને જુઓ, એની જ પહેલી પળમાં ડૂબ્યા!

– માધવ રામાનુજ (2-11-2012)
[અપ્રગટ, અંતરનું એકાંત (સમગ્ર કવિતા)માંથી]