એક કોલાજ
જરાક ઝડપી પવન સમાં એ કંઈક સતત ઉચ્ચરે.
ડૂબી ગયેલાં વહાણ જેવાં મનનાં જળમાં ઠરે.
માદક પેય બની આ સ્મરણો પાત્ર ભરી ઊભરાતાં.
શહેરી લત્તે લત્તે અમથું કોલાહલિયું ગાતાં.
એક અંજપાની કૂંપળ થઈ, વળ ખઈને ઊઘડે.
પછી અણગમો પીળો પીળો વેરી ચોગમ પડે.
આંખો બીડી ચૈત્ર માસની ભરબપ્પોરે બેઠાં.
ડમરીઓના હાથ આખરે થાકી પડતા હેઠા.
અભાવ કેરો ઓપ ચડાવે બધ્ધે કોની યાદ?
બધું એમ જોડાતું – મારો કોલાજી આહ્ લાદ.
સિતાંશુ યશશ્ચંદ્ર (Born 1941)
(સ્મરણો, ‘ઓડિસ્યુસનું હલેસું’ માંથી)