ચૂંટેલા શેર
શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
…
એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું?
સોમાંથી – એંશી આજે ગઝલકાર હોય છે.
…
નીતિને એ ગરીબોની મારી સલામ છે,
એક જ છે ભાવ એમનો, મોંઘા થતા નથી.
…
સંપૂર્ણ રીતે હોય જે આ જગ મહીં સુખી,
એવો તો એક પણ નથી જન મારી જાણમાં.
…
હ્રદયમાં જ ઘૂમરાઈ પીડે મને
જે આંસુઓ આંખોથી ખરતાં નથી.
…
એક જ ધરમને ધરતી પર સ્થાપિત કરી શકે,
એવો ખુદા તો ક્યાંથી ‘જલન’ શોધી લાવીએ?
…
અસલિયત હવે રહી છે કોના મહીં,
કહ્યું કોણે ગાજ્યા વરસતા નથી.
…
દિલને ભીનું રાખવા કાજ,
વહેવા ન દે, અશ્રુ ખાળ.
…
સૂતેલો ઉપાડી લઈ આવ્યા, સૌ દોસ્તો ભીની આંખોએ.
આવી ન શક્યો ખુદ્દાર ‘જલન’, જો નીજના મઝારે ચાલીને.
…
રાહ જોઈને નદી સુકાઈ ગઈ,
એને મન મળવાને સાગર આવશે.
…
ચલણ એનું નથી બિલકુલ ગગન પર એટલા માટે,
અહીંનું અહીંયાં છોડી દઈને ધન અહીંથી જતા રહીશું,
…
પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને?
શું જોઈએ છે તારે હાજર થઈને કે’ને?
…
અહીંયાં ડગલે પગલે ઠોકરો વાગે છે કબ્રોની,
‘જલન’ ક્યાં જઈને આ અરમાનની લાશોને દફનાવું?
…
હશે તો ઊઠી દોડવા માંડશે,
તું પ્રારબ્ધને લાત મારી તો જો.
…
એટલે ઝગમગે છે આ જીવન ‘જલન’
જે મળી ધોઈને હું વ્યથા પી ગયો.
…
દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
…
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
…
ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?
…
ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવાં,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.
…
અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું,
કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા.
…
તને પણ રહેતે કયામતની ભીતિ,
અને રાત-દિવસ ફિકર બંદગીની,
એ સારું જ છે કે ખુદા તારા માથે
નથી મારા ઈશ્વર સમો કોઈ ઈશ્વર.
– જલન માતરી (1934-2018)
‘તપિશ’ માંથી
સરસ ચૂંટયા છે….
મજા આવી વાંચીને…
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર 👍
LikeLiked by 1 person
મૃત્યુ ની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
કે જીવન ની ઠેસ ની તો હજુ કળ વળી નથી.
LikeLiked by 1 person