જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

જે તને ઝળહળ કરે….

આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ કેવળ જળ કરે,
ઘર તો સદા ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે.

વરસાદ ફૂલોને, સદા નવડાવતો આનંદથી,
શણગારવાનું કામ એને પ્રેમથી ઝાકળ કરે.

કેવા સિતમ યુગથી થયા ઈતિહાસમાં ક્યાં નોંધ છે?
ધૃતરાષ્ટ્ર જેવો છે સમય, ફરિયાદ કોને પળ કરે?

આકાશને જામીન પર છોડાવવાનું થાય તો,
જામીન અરજી પર સહી સૌ પ્રથમ વાદળ કરે.

છે આપણા તો હાથમાં કેવળ સળી ને સાળ આ,
કાપડ વણીને આપવાનું કામ તો શામળ કરે.

હર પાંખ પાસેથી મળે આકાશની સઘળી વિગત,
ક્યાં નરક છે? છે સ્વર્ગ ક્યાં? માનવ હજી અટકળ કરે.

થોથાં બધાં પધરાવ તું, આ શબ્દ તો અંધાર છે,
એવું અલૌકિક પામ ‘ધૂની’ જે તને ઝળહળ કરે.
ધૂની માંડલિયા ‘ઝૂરે ઝરૂખો’માંથી
(વેદનાની વચ્ચે ઊભો છું હું…)