દુનિયામાં જે કંઈ સુંદર છે,
તે વિયોગના અગ્નિમાંથી બહાર આવે છે.
અનંત આકાશમાં વિહરતી અનેક રૂપમૂર્તિઓ એ બીજું કાંઈ નથી,
આવી વિયોગ અવસ્થાની, કલ્પનાની પાંખે ચડી ગયેલી પરીઓ છે.
આકાશી તારાઓ, આખી રાત, આવી મૂંગી વેદનાનાં કરુણ કાવ્યો,
એક બીજા પ્રત્યે નેત્રસંકેતથી બોલ્યા કરે છે, અને એ જ કરુણ કાવ્યો,
અંધારી રાતે વરસાદભીંજ્યાં પાંદડાંમાં આવીને, દુનિયાની કવિતાપંક્તિઓ થઈ જાય છે!
આકાશથી ધરતી સુધી પથરાઈ ગયેલી આ વેદના, એ જ, નિરવધિ પ્રેમમાં રૂપાંતર પામે છે.
એ જ અદમ્ય વાસના બને છે. એ જ દુઃખના બોલ બોલે છે.
અને એ જ માણસના ઘરઘરની, આનંદ રેલાવતી, સૌંદર્યકવિતા બને છે!
અને એ જ મારા કવિની આંતરગુહામાં બેસીને મારી અબોલ વીણામાંથી,
કરુણ મધુર ગાન વહાવે છે
એ જ વિયોગવેદના!
કવિવર રવિન્દ્રનાથ ટાગોર ‘ગીતાંજલિ’
ભાવાનુવાદ : ધૂમકેતુ (1956)
image source : http://www.nobleprize.org