નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે
કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.

ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં
અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.

અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર
વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.

મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ
ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.

જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું
હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

– મનોજ ખંડેરિયા ( ‘કોઈ કહેતું નથી ‘ સંપાદક: નીતિન વડગામા)

image source : pinterest

 

5 thoughts on “ગઝલ – મનોજ ખંડેરિયા

Comments are closed.